09 July, 2026 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહરુખ ખાન, મરાઠી ફિલ્મમેકર પ્રવિણ તરડે (તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા)
મરાઠી ફિલ્મ `દેઊલ બંધ ૨` (Deool Band 2)ની ભવ્ય સફળતા પાછળ બોલિવૂડ (Bollywood)ના `કિંગ ખાન` એટલે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan)નું એક એવું યોગદાન હતું, જે ફિલ્મની રિલીઝ સુધી દુનિયાથી છુપાયેલું રહ્યું હતું. તાજેતરમાં જ જ્યારે ફિલ્મના દિગ્દર્શક પ્રવીણ તરડે (Pravin Tarde)એ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો, ત્યારે સોશિયલ મીડિયા પર પ્રશંસાની સાથે સાથે એક વિવાદ પણ શરૂ થઈ ગયો.
શાહરૂખ ખાને મરાઠી ફિલ્મ `દેઉળ બંધ ૨`ને સફળ બનાવવામાં અને તેને થિયેટરો સુધી પહોંચાડવામાં મોટી આર્થિક મદદ કરી હતી. પરંતુ કેટલાક સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સે આ મદદ પાછળ પણ ધર્મ અને રાજનીતિ જોવાનું શરૂ કરી દીધું છે. ટ્રોલર્સે સવાલ ઉઠાવ્યા છે કે એક મુસ્લિમ અભિનેતાએ હિન્દુ દેવી-દેવતા (સ્વામી સમર્થ) પર આધારિત ફિલ્મ માટે શા માટે મદદ કરી? હવે આ વિવાદ (Deool Band 2 controversy) પર ફિલ્મની ટીકા કરનારાઓને જડબાતોડ જવાબ આપતાં ફિલ્મના ડાયરેક્ટર પ્રવીણ તરડે શાહરૂખ ખાનના બચાવમાં આગળ આવ્યા છે.
પ્રવીણ તરડેએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, ફિલ્મ `દેઉળ બંધ ૨`ની રિલીઝના ઠીક પહેલાં મેકર્સ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. થિયેટર્સમાં ફિલ્મ રિલીઝ કરવા માટે ડિજિટલ સિનેમા પેકેજ (DCP)ની જરૂર હતી. મેકર્સનું બજેટ માત્ર ૧૨ થી ૧૩ લાખ રૂપિયા હતું, પરંતુ શાહરૂખ ખાનની કંપની `રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ` (Red Chillies Entertainment) તરફથી જ્યારે બિલ આવ્યું ત્યારે તે આશરે રુપિયા ૪૩ લાખનું હતું.
પૈસાના અભાવે ફિલ્મની રિલીઝ અટકી શકે તેમ હતી. જ્યારે આ વાત શાહરૂખ ખાન સુધી પહોંચી, ત્યારે તેણે પોતાની ટીમને માત્ર એક જ સવાલ પૂછ્યો— ‘શું ફિલ્મ સારી છે?’. તેની ટીમે કહ્યું, ‘ફિલ્મ શાનદાર છે’. બસ, આ સાંભળતા જ શાહરૂખ ખાને તરત જ પોતાની ટીમને આદેશ આપ્યો, ‘આ એક મરાઠી ફિલ્મ છે, તેમને તરત જ DCP સોંપી દો. બિલની ચૂકવણી આપણે પછી જોઈ લઈશું’.
બાદમાં શાહરૂખ ખાને ઉદારતા દાખવીને ૪૨ લાખ રૂપિયાની એ પૂરેપૂરી રકમ માફ કરી દીધી.
શાહરૂખ ખાનના આ નિઃસ્વાર્થ સહયોગનું પરિણામ એ આવ્યું કે ફિલ્મ સમયસર સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી. દર્શકોએ આ ફિલ્મને એટલો બધો પ્રેમ આપ્યો કે માત્ર ૮ થી ૧૦ કરોડના બજેટમાં બનેલી `દેઊલ બંધ ૨`એ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચી દીધો. આ ફિલ્મ `સૈરાટ` (Sairat) અને `રાજા શિવાજી` (Raja Shivaji) પછી ત્રીજી સૌથી મોટી મરાઠી ફિલ્મ બની ગઈ છે.
પ્રવીણ તરડેએ શાહરૂખ ખાનને જેવી આ સફળતાની ક્રેડિટ આપી, કે તરત જ સોશિયલ મીડિયા પર ટ્રોર્લ્સ સક્રિય થઈ ગયા. કેટલાક લોકોએ આ નેક કામને ધર્મ સાથે જોડીને સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું કે, ‘એક મુસ્લિમ અભિનેતાએ હિન્દુ દેવતા (સ્વામી સમર્થ) પર આધારિત ફિલ્મને કેમ મદદ કરી?’.
આ નકામી નિવેદનબાજી અને ટ્રોલિંગ પર દિગ્દર્શક પ્રવીણ તરડે ચુપ ન રહ્યા. એક ઈન્ટરવ્યુમાં તેમણે ટ્રોર્લ્સની બરાબરની ઝાટકણી કરી છે. તરડેએ ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું, ‘આમાં હિન્દુ-મુસ્લિમનો મુદ્દો ક્યાંથી આવ્યો? તે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે અને હું પણ. જ્યારે અમારી પાસે પૈસા નહોતા, ત્યારે તેમણે મોટા દિલથી અમારી મદદ કરી. શું આપણે માત્ર એટલા માટે તેમની દયાળુતાને નજરઅંદાજ કરી દેવી જોઈએ કારણ કે તે બીજા ધર્મના છે? આપણે ખુલ્લા દિલથી તેમનો આભાર માનવો જોઈએ.’
પ્રવીણ તરડેએ વધુમાં સ્પષ્ટ કર્યું કે, ‘જ્યાં સુધી હિન્દુત્વની વાત છે, મારે કોઈની સામે કંઈપણ સાબિત કરવાની જરૂર નથી. શાહરૂખ ખાનનો આભાર માનવાને મારી હિન્દુત્વની વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. એક સારો માણસ ફક્ત એક સારો માણસ જ હોય છે.’
વર્ષ ૨૦૧૫માં આવેલી સુપરહિટ ફિલ્મ `દેઊળ બંધ`ની આ સિક્વલ માત્ર ધાર્મિક આસ્થાને જ નથી દર્શાવતી, પરંતુ સમાજના સૌથી સંવેદનશીલ મુદ્દા— `ખેડૂતોની આત્મહત્યા` પર પણ આકરા પ્રહારો કરે છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મોહન જોશી અને સ્નેહલ તરડે છે, જેમણે આસ્થા અને નાસ્તિકતા વચ્ચેના દ્વંદ્વને પડદા પર ખૂબ જ સુંદર રીતે સાકાર કર્યો છે.