આર‍. ડી. બર્મનના કલકત્તાના જર્જરિત ઘરને મ્યુઝિયમ બનાવવાની ડિમાન્ડ

30 July, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરજી કરનારાઓએ વિનંતી કરી છે કે સમયની સાથે આર. ડી. બર્મનનું ઘર નાશ પામે એ પહેલાં એને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવું જોઈએ

આર. ડી. બર્મનનું કલકત્તાના ખાતે આવેલું ઘર

આર. ડી. બર્મનના કલકત્તાના ઘરને હવે મ્યુઝિયમમાં ફેરવવાની ડિમાન્ડ ચાલી રહી છે. કલકત્તાના ૩૬/૧ સાઉથ એન્ડ પાર્કમાં આવેલું આર. ડી. બર્મનનું ઘર ક્યારેક સંગીતપ્રેમીઓ માટે પૂજાનું મંદિર હતું, પરંતુ હવે એની હાલત ખૂબ ખરાબ છે. આ ઘર જર્જરિત થઈ ગયું હોવાને કારણે એનું સમારકામ કરાવવાની જરૂર છે. જોકે વારંવાર અપીલ કર્યા છતાં અધિકારી આ મામલે ધ્યાન નથી આપી રહ્યા. હવે આ ઘરને બચાવવા માટે તેમના ચાહકોના એક ગ્રુપે ઑનલાઇન પિટિશન શરૂ કરી છે અને અધિકારીઓને આને મ્યુઝિયમમાં ફેરવવાની વિનંતી કરી છે.

અરજી કરનારાઓએ વિનંતી કરી છે કે સમયની સાથે આર. ડી. બર્મનનું ઘર નાશ પામે એ પહેલાં એને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવું જોઈએ જેથી લોકોને રોજગારી તો મળશે, પણ એ સિવાય સંગીતપ્રેમીઓને આર. ડી. બર્મન વિશે જાણીને તેમની પ્રતિભાની કદર કરવાની તક મળશે.

મ્યુઝિયમ બનાવવા માટે શરૂ કરાયેલી ઑનલાઇન પિટિશન પર એક અઠવાડિયામાં ૭૦૦૦થી વધુ લોકોએ સાઇન કરી છે. અરજી કરનારાઓનું માનવું છે કે આ ઘરને સાંસ્કૃતિક સ્થળ તરીકે સાચવવું જોઈએ. પિટિશનમાં લખવામાં આવ્યું છે કે આ ઘર માત્ર ઈંટ અને સિમેન્ટથી નથી બન્યું, એમાં સંગીતની ધૂન છે જેણે ભારતીય સંગીતને નવો વળાંક આપ્યો હતો.

rd burman bollywood buzz bollywood news bollywood entertainment news