26 August, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
દીપિકા પાદુકોણ હાલમાં દીકરી દુઆના ઉછેર પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. દીપિકા અને રણવીર સિંહે હજી સુધી તેમની દીકરી દુઆનો ચહેરો દુનિયાને બતાવ્યો નથી. જોકે હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં દુઆનો ચહેરો જોઈ શકાય છે અને એ પછી ફૅન્સ કહી રહ્યા છે કે દુઆ તેના પપ્પાની કાર્બન કૉપી છે. જોકે દીપિકા અને રણવીરના કેટલાક ફૅન્સ તેમની પરવાનગી વગર દીકરીનો ચહેરો જાહેર કરી દેવાની હરકતથી નારાજ પણ થયા છે.
સોશ્યલ મીડિયામાં અપલોડ થયેલા આ વિડિયોમાં જ્યારે દીપિકાને ખબર પડે છે કે તેનો અને તેની દીકરીનો વિડિયો બનાવવામાં આવ્યો છે ત્યારે તે અપસેટ થયેલી દેખાય છે. તે પેલી વ્યક્તિને વિડિયો બનાવવાની ના પાડે છે. આમ છતાં આ વિડિયો પછી સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. આમાં દુઆનો ચહેરો સ્પષ્ટ દેખાય છે.