હું એ જ નિર્ણય લઉં છું જે મને અંદરથી શાંતિ આપે છે અને પછી એના પર દૃઢ રહું છું

30 May, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકા પાદુકોણે સ્ટૉકહોમથી સંદીપ રેડ્ડી વાંગાને આડકતરો જવાબ આપ્યો હોવાની ચર્ચા

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ અને ફિલ્મમેકર સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. દીપિકાએ સંદીપની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’ છોડી દીધી અને એ પછી સંદીપે સોશ્યલ મીડિયાનો સહારો લઈને તેને ટાર્ગેટ કરી હતી. તેણે દીપિકા પાદુકોણનું નામ લીધા વિના તેને ખૂબ ખરી-ખોટી સંભળાવી અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો. હવે દીપિકાનો સ્ટૉકહોમથી એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના નિર્ણયને દૃઢતાથી વળગી રહેવા વિશે વાત કરી રહી છે.  આ વિડિયો જોઈને લાગે છે કે દીપિકાએ તેના પર સંદીપ રેડ્ડી વાંગાએ લગાવેલા આરોપનો જવાબ આપ્યો છે. 
હાલમાં દીપિકા સ્વીડનની રાજધાની સ્ટૉકહોમમાં આયોજિત એક ઇવેન્ટમાંથી હાજરી આપવા ગઈ છે. તેણે ઇવેન્ટની પોતાની કેટલીક તસવીરો શૅર કરી છે. આ ઇવેન્ટ દરમિયાન દીપિકાએ અમેરિકન ફૅશન મૅગેઝિન ‘વોગ અરેબિયા’ સાથે ખાસ વાતચીત કરી, જેનો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં દીપિકાએ ઇવેન્ટ વિશે અને પોતાના જીવનમાં સંતુલન જાળવવા વિશે વાત કરી છે. દીપિકાએ કહ્યું, ‘મને લાગે છે કે જે વસ્તુ મને સંતુલિત રાખે છે એ છે સાચું બોલવું અને પોતાની જાત પ્રત્યે સાચા રહેવું. જ્યારે હું કોઈ મુશ્કેલ કે ગૂંચવણભરી પરિસ્થિતિમાં હોઉં ત્યારે હું મારા અંતરાત્માનો અવાજ સાંભળું છું. હું એ જ નિર્ણય લઉં છું જે મને અંદરથી શાંતિ આપે છે અને પછી એના પર દૃઢ રહું છું. જ્યારે હું આવું કરું છું ત્યારે જ મને લાગે છે કે મારું જીવન સંતુલનમાં છે.’

શું છે સંદીપ રેડ્ડી વાંગાનો આરોપ?

હાલમાં સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકાનું નામ લખ્યા વગર સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને તેના પર ‘ગંદી PR ગેમ’ રમવાનો અને તેમની ફિલ્મ ‘સ્પિરિટ’ની વાર્તાના મહત્ત્વના ભાગનો ખુલાસો કરીને એને લીક કરી દેવાનો આરોપ લગાવ્યો છે. સંદીપે સોશ્યલ મીડિયા પર લખ્યું, ‘જ્યારે હું કોઈ અભિનેતાને વાર્તા સંભળાવું છું ત્યારે હું તેના પર સો ટકા ભરોસો કરું છું. અમારા વચ્ચે એક વણલખ્યું નૉન-ડિસ્ક્લોઝર ઍગ્રીમેન્ટ હોય છે. પરંતુ આવું કરીને તમે બતાવી દીધું છે કે હકીકતમાં તમે કોણ છો. એક યંગ ઍક્ટરની  ક્ષમતાને ઓછી બતાવવી અને મારી વાર્તાને લીક કરી દેવી? શું આ જ તમારું ફેમિનિઝમ છે? એક ફિલ્મનિર્માતા તરીકે મેં મારા ક્રાફ્ટ પાછળ વર્ષોની સખત મહેનત કરી છે અને મારા માટે ફિલ્મનિર્માણ જ બધું છે. તમને આ સમજાયું નથી અને તમને આ ક્યારેય સમજાશે નહીં. એક કામ કરો કે નેક્સ્ટ ટાઇમ આખી વાર્તા જ કહી દેજો... કારણ કે મને બિલકુલ ફરક પડતો નથી.’

deepika padukone sandeep reddy vanga bollywood buzz bollywood news bollywood entertainment news