15 July, 2026 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા પદુકોણ અને રણવીર સિંહની ફાઇલ તસવીર
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ આ દિવસોમાં પોતાની બીજી પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં દીપિકા પતિ રણવીર સિંહ સાથે મુંબઈમાં રોમેન્ટિક સાંજ માણતી જોવા મળી હતી. બંને એક લોકપ્રિય રેસ્ટોરન્ટમાં ઢોસા ખાવા પહોંચ્યા હતા. આ મુલાકાતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દીપિકા અને રણવીર ખૂબ જ સાદા અંદાજમાં જોવા મળે છે. બંનેએ મીડિયાનું ખાસ ધ્યાન ખેંચ્યા વગર પોતાની આઉટિંગ એન્જોય કરવાનો પ્રયાસ કર્યો હતો. ચાહકોને કપલનો આ સિમ્પલ અને ક્યૂટ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ બંનેને શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. દીપિકા અને રણવીર પોતાના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે એકબીજા સાથે સમય પસાર કરતા જોવા મળતા હોવાથી ચાહકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
વાયરલ વીડિયોમાં દીપિકા પદુકોણ અને રણવીર સિંહ મુંબઈની લોકપ્રિય બેન્ને (Benne) રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળે છે. આ પ્રસંગે દીપિકાએ બ્રાઉન રંગનો કેઝ્યુલ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. તેણે એકદમ સિમ્પલ અને કમ્ફર્ટેબલ લુક પસંદ કર્યો હતો. વીડિયોમાં દીપિકાનો બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળતો નથી, કારણ કે કેમેરામાં તે મોટાભાગે પાછળથી જ કેદ થઈ હતી. રણવીર સિંહ સફેદ સ્વેટશર્ટ, કાળા પેન્ટ અને કેપમાં જોવા મળ્યો હતો. બંને કોઈ ઉતાવળ વગર પોતાની કાર તરફ જતા જોવા મળ્યા હતા. કપલનો આ સાદગીભર્યો અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
દીપિકા પદુકોણ હવે માતૃત્વ પછી ફરી એકવાર મોટા પડદા પર કમબેક કરવા તૈયાર છે. તે ટૂંક સમયમાં શાહરુખ ખાન સાથે ફિલ્મ `કિંગ`માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. ફિલ્મમાં સુહાના ખાન, રાની મુખર્જી, અનિલ કપૂર, જેકી શ્રોફ, અભય વર્મા, અભિષેક બચ્ચન, અરશદ વારસી અને જયદીપ અહલાવત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત દીપિકા પાસે એટલીની આગામી ફિલ્મ `રાકા` પણ છે, જેમાં તે અલ્લુ અર્જુન સાથે સ્ક્રીન શેર કરશે.
બીજી તરફ રણવીર સિંહ તાજેતરમાં ફિલ્મ `ધુરંધર: ધ રિવેન્જ` માં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય ધરે કર્યું છે. ફિલ્મમાં સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદી જેવા કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા.
દીપિકા પદુકોણ અને રણવીર સિંહે વર્ષ 2024માં પોતાના પ્રથમ સંતાન તરીકે દીકરી દુઆ પદુકોણ સિંહનું સ્વાગત કર્યું હતું. દીકરીના જન્મના સમાચાર સામે આવતા ચાહકો અને ફિલ્મી જગતના અનેક સેલેબ્સે બંનેને શુભેચ્છાઓ પાઠવી હતી. માતા બન્યા બાદ દીપિકાએ થોડો સમય પરિવાર અને દીકરી સાથે વિતાવ્યો અને જાહેર કાર્યક્રમોથી પણ થોડું અંતર રાખ્યું. હવે બીજી વખત માતા બનવાની ખુશખબર વચ્ચે દીપિકા ફરી એકવાર ચર્ચામાં છે. ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે કપલ પોતાના બીજા બાળક વિશે ક્યારે સત્તાવાર માહિતી શેર કરે છે. આ દરમિયાન દીપિકા અને રણવીરનો ઢોસા ડેટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેમના ચાહકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.