10 May, 2025 06:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ (ફાઇલ તસવીર)
દીપિકા પાદુકોણે ૨૦૨૪ની ૮ સપ્ટેમ્બરે દીકરી દુઆને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મના આટલા સમય પછી દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં પોતાનો પ્રેગ્નન્સીનો અનુભવ શૅર કર્યો છે. દીપિકાએ જણાવ્યું છે કે તેની પ્રેગ્નન્સી કૉમ્પ્લીકેટેડ હતી અને છેલ્લા ત્રણ મહિના તો તેના માટે બહુ મુશ્કેલ સાબિત થયા હતા. દીપિકાએ જણાવ્યું કે આ સમયગાળા દરમ્યાન તેણે બહુ સહન કર્યું હતું.
દીપિકાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘પ્રેગ્નન્સીના આઠમા-નવમા મહિનામાં મેં બહુ સહન કર્યું હતું. શરીરમાં એટલો બધો દુખાવો થતો હતો કે એની કોઈ હદ નહોતી. એ સમયે પાંસળીના દુખાવાની પીડા વિશે વિચારીને આજે પણ ભગવાન યાદ આવી જાય છે. જોકે દીકરીના જન્મ પછી મેં ફરીથી ફિટનેસ મેળવવાની શરૂઆત સ્વિમિંગ સાથે કરી અને પછી ક્રમશઃ પલાટેઝ અને ફંક્શન ટ્રેઇનિંગ તરફ વળી. હવે હું શરીર સાથે તાલમેલ અનુભવું છું તેમ જ શક્તિ અને ઊર્જા પાછી મેળવી રહી છું. હું નિશ્ચિત હતી કે એક વાર સફળ પ્રસૂતિ થઈ જાય પછી હું ફક્ત વર્તમાન ક્ષણમાં જીવીશ, મારા શરીરને પ્રેમ કરીશ, મારા બાળકને પ્રેમ કરીશ અને મારી ઊર્જાને ફરી ભરીશ. મારા શરીરનો આભાર માનીશ, મારા શરીરનું સન્માન કરીશ. આ પરિસ્થિતિને સારી રીતે હૅન્ડલ કરવા માટે હું સારી ઊંઘનું મહત્ત્વ સમજું છું. દુઆના જન્મ પહેલાં હું મારી ઊંઘની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી ટ્રૅક કરતી હતી, પણ હવે મને જ્યારે તક મળે છે ત્યારે પાવર-નૅપ લઈ લઉં છું, કારણ કે ફિટનેસ મેળવવા માટે સારી ઊંઘ નંબર વન હેલ્થ ટૂલ છે.’