દીપિકાની બૅડ્‍‍મિન્ટન સ્કૂલનો ઝપાટાભેર થઈ રહ્યો છે વિકાસ

12 June, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે આની સ્થાપક છે, જ્યારે તેના પિતા પ્રકાશ પાદુકોણ સલાહકાર અને માર્ગદર્શકની જવાબદારી સંભાળે છે

દીપિકા પાદુકોણ અને તેના બૅડ્‍‍મિન્ટન-સ્ટાર પિતા પ્રકાશ પાદુકોણ

દીપિકા પાદુકોણ અને તેના બૅડ્‍‍મિન્ટન-સ્ટાર પિતા પ્રકાશ પાદુકોણે ગયા વર્ષે પાદુકોણ સ્કૂલ ઑફ બૅડ્‍‍મિન્ટન (PSB) શરૂ કરી હતી અને મંગળવારે ઇન્સ્ટાગ્રામ દ્વારા એના વિશે અપડેટ શૅર કર્યું હતું. દીપિકા આ બૅડ્‍‍મિન્ટન સ્કૂલની સ્થાપક છે, જ્યારે પ્રકાશ પાદુકોણ સલાહકાર અને માર્ગદર્શકની જવાબદારી સંભાળે છે.

દીપિકાએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ મૂકીને કૅપ્શનમાં લખ્યું હતું કે ‘હું બૅડ્‍‍મિન્ટન રમીને મોટી થઈ છું અને મેં જાતે અનુભવ્યું છે કે આ રમત જીવનને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે આકાર આપી શકે છે. પાદુકોણ સ્કૂલ ઑફ બૅડ્‍‍મિન્ટન દ્વારા અમે આશા રાખીએ છીએ કે બૅડ્‍‍મિન્ટનનો આનંદ અને શિસ્ત દરેક વર્ગના લોકો સુધી પહોંચે અને એક એવી પેઢી તૈયાર થાય જે વધુ સ્વસ્થ, કેન્દ્રિત અને રમતથી પ્રેરિત હોય.’

દીપિકાએ આપેલી માહિતી મુજબ PSBએ પોતાના પ્રથમ વર્ષમાં બૅન્ગલોર, દિલ્હી NCR, મુંબઈ, ચેન્નઈ, જયપુર, પુણે, નાશિક, મૈસૂર, પાનીપત, દેહરાદૂન, ઉદયપુર, કોઇમ્બતુર, સાંગલી અને સુરત જેવાં ૧૮ ભારતીય શહેરોમાં ૭૫ ગ્રાસરૂટ કોચિંગ સેન્ટર્સ શરૂ કર્યાં છે. આ સંસ્થા આ વર્ષના અંત સુધીમાં ૧૦૦ સેન્ટર્સ અને આગામી ત્રણ વર્ષમાં ૨૫૦ સેન્ટર્સ સુધી એક્સપાન્શનનું લક્ષ્ય ધરાવે છે.

દીપિકા ઍક્ટિંગની દુનિયામાં આવતાં પહેલાં રાષ્ટ્રીય સ્તરની બૅડ્‍‍મિન્ટન ખેલાડી હતી. તેણે શાળાકીય વર્ષો દરમ્યાન બૅડ્‍‍મિન્ટનમાં સ્પર્ધાત્મક રીતે ભાગ લીધો હતો અને કર્ણાટકનું રાજ્યસ્તરે પ્રતિનિધિત્વ કર્યું હતું. દીપિકા રાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં પણ રમી હતી. જોકે તેણે આખરે મૉડલિંગ અને અભિનયમાં કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું હતું. હાલમાં તે ભારતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક છે.

deepika padukone prakash padukone badminton news entertainment news bollywood bollywood news