18 July, 2024 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણે ડાયટ માટે લોકોને સલાહ આપી છે કે કોઈની લખેલી કે કહેલી બાબતો પર ધ્યાન ન આપવું જોઈએ, તમારા શરીરની રચનાને મહત્ત્વ આપવું જોઈએ. દીપિકા સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપવાની છે. એવામાં તે સમય-સમય પર લોકોને પોષણયુક્ત આહાર માટે સલાહ આપે છે. હવે ફરીથી ઇન્સ્ટાગ્રામ પર દીપિકાએ લખ્યું કે ‘હું પોષક આહાર ખાઉં છું. જે લોકો મને સારી રીતે જાણે છે તેમને પણ તમે પૂછી જુઓ. એથી ડાયટને લઈને તમે જે પણ સાંભળો છો કે વાંચો છો એના પર ભરોસો ન કરો. તમે બૅલૅન્સ, સ્થિરતા અને તમારા શરીરની રચના પર ધ્યાન આપો. ડાયટને લઈને જગતભરમાં થોડી ગેરસમજ છે. આપણે હંમેશાં એમ માની બેસીએ છીએ કે ડાયટ એટલે કે ભૂખ્યા રહેવું, ઓછું જમવું અને એ બધી વસ્તુઓ ખાવી જે આપણને પસંદ નથી. ખરેખર તો ડાયટનો અર્થ કોઈ વ્યક્તિ જે પણ ખાય છે એ. મને યાદ છે ત્યાં સુધી હું બૅલૅન્સ્ડડાયટનું અનુકરણ કરું છું. મારા માટે આ જ જીવન જીવવાની રીત છે. તમારી ડાયટ જાણવામાં મને રસ છે. આશા છે કે તમને મારી આ પોસ્ટ ગમી હશે.’