લૉકડાઉનમાં બાળકોની સાવચેતી કેવી રીતે લઈ રહી છે સેલિબ્રિટીઝ?

26 March, 2020 06:40 PM IST  |  Mumbai | Agencies

લૉકડાઉનમાં બાળકોની સાવચેતી કેવી રીતે લઈ રહી છે સેલિબ્રિટીઝ?

સની લિયોની અને રવીના ટંડન

દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસે ઘણા સમયથી આતંક ફેલાવ્યો છે. લોકોને સલામતીના ભાગરૂપે ઘરમાં રહેવુ પડે છે. સ્કૂલો પણ બંધ છે. એવામાં બાળકોની તેમની મમ્મી ખાસ દરકાર રાખે છે. બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ પણ પોતાનાં બાળકો માટે ખૂબ તકેદારી રાખી રહી છે. પોતાનાં બે બાળકો રાશા અને રણબીરની કેવી કાળજી લે છે એ દિશામાં રવીના ટંડને કહ્યું હતું કે‘હું વધારે પડતાં સૅનિટાઇઝેશન પર ભરોસો નથી રાખતી. જોકે એ વાતની ખાસ ખાતરી રાખું છું કે ઘર સાફસૂથરું રાખવામાં આવે. બાળકો હાથ ધુએ એ પણ અગત્યનું છે. હાલમાં અમે અમારી જાતને પૂરી રીતે ઘરમાં બંધ રાખી છે. સ્કૂલો બંધ હોવાથી અમે એકબીજા સાથે સમય પસાર કરી રહ્યાં છીએ. તેમને એન્ટરટેઇન કરવા માટે તેમની સાથે મૉનોપોલી અને અન્ય ગેમ્સ રમીએ છીએ. સાથે મળીને કેટલીક ફિલ્મો પણ જોઈએ છીએ. ફૅમિલી મેમ્બર્સ સાથે ઉમળકાભેર રહી શકીએ એના માટે આ યોગ્ય સમય છે અને હું પણ એ જ કરી રહી છું.’

સની લીઓનીને ત્રણ બાળકો નિશા કૌર, નોઆ સિંહ અને આશર સિંહ છે. બાળકોના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સનીએ કૅપ્શન આપી હતી કે ‘એક નવો યુગ આવ્યો છે. ખૂબ જ દુઃખની વાત છે કે મારાં બાળકોને માસ્ક પહેરવો પડે છે, પરંતુ એ જરૂરી પણ છે. ટૉડલર્સને પણ માસ્ક પહેરવા જોઈએ.’

બાળકો સાથે કેવી રીતે સમય પસાર કરે છે એ વિશે સનીએ કહ્યું હતું કે ‘મારાં ત્રણ બાળકો છે. હાલમાં મારું પૂરું ધ્યાન ઘરમાં રહીને તેમને ભણાવવામાં છે. તેમને ઘરમાં નવી-નવી વસ્તુઓ શીખવાડવા પર છે. આ લૉકડાઉન દરમ્યાન તેમને બિઝી રાખવામાં હું ક્રીએટ‌િવ વસ્તુઓ કરી રહી છું.’

શ્રેયસ તલપડેની એક નાનકડી દીકરી છે. તેને લઈને કેવી કાળજી લેવામાં આવે છે એ વિશે શ્રેયસે કહ્યું હતું કે ‘હાલમાં તો સૌથી સારી બાબત એ છે કે ઘરમાં રહેવું જોઈએ અને બહાર નીકળીને તમારી ફૅમિલીના સદસ્યોના જીવ જોખમમાં ન મૂકતા. અમે ઘરમાં અને મારી દીકરીની આસપાસ સાફસફાઈનું ખાસ ધ્યાન રાખીએ છીએ. જોકે તે ખૂબ નાની હોવાથી તેને રમતી અટકાવવી અને વસ્તુસ્થિતિ વિશે સમજાવવું અઘરું છે. એથી આ થોડી કપરી સ્થિતિ છે, પરંતુ આપણે બે વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ બને એમ સાવધાની રાખો અને ઇમ્યુનિટી વધારો.’

‘ભાભીજી ઘર પર હૈ’ની શુભાંગી અત્રેએ પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તેણે ઘરમાં સૅનિટાઇઝરનો ઉપયોગ કરવાની ટેવ ઘણા સમય પહેલાંથી પાળી હતી. એ વિશે શુભાંગીએ કહ્યું હતું કે ‘મારી દીકરી આશી નાની હતી ત્યારે જ મેં તેને જમતાં પહેલાં હાથ ધોવાની ટેવ પાડી રાખી હતી. મેં તેના પર આ બાબતને લઈને પહેલેથી જ ભાર મૂક્યો હતો. હવે તો ખાસ કરીને દિવસ દરમ્યાન તે કંઈ પણ ખાય ત્યારે હું હાથ સાફ કરાવડાવું છું. અમારાં કપડાં પણ સૅનિટાઇઝિંગ લિક્વ‌િડથી અલગથી ધોવામાં આવે છે.’

સમીરા રેડ્ડીને ચાર વર્ષનો દીકરો છે. તે હાલમાં દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસને લઈને અવગત છે. આ વાઇરસ વિશે સમીરાએ કહ્યું હતું કે ‘મેં સપનામાં પણ કદી નહોતું વિચાર્યું કે મારો દીકરો કહેશે કે કોરોના વાઇરસ એક જર્મ છે. જો તે પ્લેનમાં બેસી જાય તો એમાં બેઠેલા લોકો પ્લેનની બહાર નીકળી નથી શકતા. તેની આ વાતો સાંભળીને મને લાગ્યું કે બાળકો પણ હાલની સ્થિતિથી ચિંત‌િત છે. એથી મેં તેને મારી બાજુમાં બેસાડ્યો અને સારી રીતે સમજાવ્યો હતો. સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આશા રાખીએ જલદી જ બધું સામાન્ય થઈ જાય.’

sunny leone raveena tandon shreyas talpade bollywood news entertainment news coronavirus covid19