'બાલા'ના હીરો આયુષ્માન ખુરાના સામે પોલીસમાં ફરિયાદ, વાર્તા ચોરવાનો આરોપ

01 June, 2019 08:27 PM IST  |  મુંબઈ

'બાલા'ના હીરો આયુષ્માન ખુરાના સામે પોલીસમાં ફરિયાદ, વાર્તા ચોરવાનો આરોપ

આયુષ્માન સામે પોલીસમાં ફરિયાદ

આયુષ્માનની ટાલિયા વ્યક્તિની કહાની પર આધારિક ફિલ્મ 'બાલા' મુસીબતમાં પડતી જણાઈ રહી છે. કારણ કે વાર્તાકાર કમલ ચંદ્રાએ આયુષ્માન પર પોતાની વાર્તાની ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. અને તેમની સામે મુંબઈ પાસે આવેલા કાશી-મીરા પોલીસ સ્ટેશનમાં 29 મેના દિવસે એક લેખિત ફરિયાદ દાખલ કરાવી છે.

આ સાથે જ તેમણે 'બાલા'ના નિર્દેશક અમર કૌશિક અને નિર્માતા દિનેશ વિજન સામે પણ ફરિયાદ કરી છે. મહત્વનું છે કે આ મામલો પહેલા જ મુંબઈ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. માર્ચમાં કમલે આયુષ્માન ખુરાના અને ફિલ્મ મેકર્સ સામે મામલો દાખલ કર્યો હતો.

ફરિયાદ મામલે કમલ ચંદ્રાએ કહ્યું કે, "મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. તેની ત્રીજી સુનાવણી હાલમાં જ એપ્રિલમાં થઈ હતી. પણ અદાલતના નિર્ણયની રાહ જોયા વગર જ આયુષ્માન અને તેની ટીમે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાલ અદાલત ગરમીની રજા પર છે. પરંતુ તેને એ મતલબ નથી કે અદાલતનો નિર્ણય આવે તે પહેલા જ શૂટિંગ શરૂ કરી દેવામાં આવે."

જો કે આ મામલે આયુષ્માનની લીગલ ટીમનું કહેવું છે કે આ મામલાને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યો છે. હાલ આ મામલો અદાલતમાં છે અને 10 જૂને આગામી સુનાવણી છે. અમારી સ્ક્રિપ્ટ ઓરિજિનલ છે.

આ પણ વાંચોઃ Article 15 Trailer Out : ગેરેંટી છે! ટ્રેલર જોઈને છૂટી જશે કમાકમાટી, વિચારો ફિલ્મ જોઈને શું થશે

શું છે આરોપ
કમલ ચંદ્રાનો આરોપ છે કે તેણે 2017માં દોઢ પાનાની ફિલ્મની કહાની આયુષ્માનને વોટ્સએપ કરી હતી. જે તેને પસંદ આવી હતી. બાદમાં તેણે મને યશરાજ સ્ટુડિયો મળવા બોલાવ્યો હતો પરંતુ અમે મળી નહોતા શક્યા. તેમણે મારા મેસેજનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું અને મને એક દિવસ ખબર પડી કે મારી જ મૂળ કહાની પર ફિલ્મ બાલા બની રહી છે. જે બાદ તેઓ અદાલતમાં ગયા હતા.