સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: કેન્દ્ર સરકારે CBI તપાસની મંજૂરી આપી

05 August, 2020 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: કેન્દ્ર સરકારે CBI તપાસની મંજૂરી આપી

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં પહેલા દિવસથી જે માંગ થઈ રહી છે તેને આખરે મંજૂરી મળી ગઈ છે. અભિનેતાની આત્મહત્યાના કેસની હવે સીબીઆઈ તપાસ થશે. બિહાર સરકારે મંગળવારે કેન્દ્રને સીબીઆઈ તપાસ માટે ભલામણ મોકલી હતી. હવે કેન્દ્રએ બિહાર સરકારની આ ભલામણને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલે કહ્યું કે, સુશાંત કેસની તપાસ તેમણે સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધી છે. હવે CBI આ કેસની તપાસ કરશે.

કેન્દ્ર સરકારના વકીલ એસ.જી. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, સીબીઆઈ સાતે કેસની તપાસ કરવાની બિહાર સરકારની ભલામણ સ્વીકારવામાં આવી છે. રિયા ચક્રવર્તી તરફથી એડવોકેટ શ્યામ દિવાને કહ્યું હતું કે, એસજી વતી જે કહ્યું હતું તે અહીં કેસ નથી. આવા કિસ્સામાં કોર્ટે રિયાની અરજી પર ધ્યાન આપવું જોઈએ. રિયાના વકીલ શ્યામ દિવાને તમામ કેસો પર સ્ટેની માંગ કરી હતી. શ્યામ દિવાને કહ્યું છે કે, એફઆઈઆર ન્યાયશાસ્ત્ર પ્રમાણે નથી. આવા કેસમાં કોર્ટે આખા કેસ પર રોક લગાવવી જોઇએ.

જ્યારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ પોતાની સામે સુશાંતના પિતા દ્વારા દાખલ થયેલો કેસ પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ યાચિકા પર જજ હૃષિકેશ રોયની બેન્ચ સુનાવણી કરી રહી છે. આ કેસમાં બિહાર અને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. આ સિવાય સુશાંતના પિતા કે.કે.સિંહે પણ કેવિએટ ફાઈલ કરેલી છે. જેથી તેમની વાત સાંભળ્યા વગર રિયાએ ફાઈલ કરેલ યાચિકા પર કોઈ નિર્ણય લેવામાં ન આવે.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતના કેસમાં શું ફૉરેન્સિક ટીમે કરી છે મોટી ભૂલ?

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતા ડિપ્રેશનનો શિકાર હતો અને છ મહિનાથી સારવાર ચાલી રહી હતી. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે. હજી સુધી પોલીસે લગભગ 40 લોકોની પૂછપરછ કરી છે.

entertainment news bollywood bollywood gossips bollywood news sushant singh rajput rhea chakraborty central bureau of investigation