ખુશખબર: 65 વર્ષથી વધુ ઉંમરના એક્ટર્સ હવે કરી શકશે શૂટિંગ

07 August, 2020 06:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ખુશખબર: 65 વર્ષથી વધુ ઉંમરના એક્ટર્સ હવે કરી શકશે શૂટિંગ

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું કામકાજ ઠપ થઈ ગયું હતું. પણ અનલૉકની પ્રક્રિયા શરૂ થતા જ ધીમે ધીમે શૂટિંગની પરવાનગી આપી હતી. પરંતુ મહારાષ્ટ્ર સરકારે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના એક્ટર્સને શૂટિંગના સેટ પર આવવા માટે પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ આજે બોમ્બે હાઈ કોર્ટે આ પ્રતિબંધ હટાવી લેતા એક્ટર્સ અને ફૅન્સ બહુ જ ખુશ થયા છે.

બોમ્બે હાઈકોર્ટે શુક્રવાર ના રોજ સીનિયર આર્ટિસ્ટ માટે રાહતનો નિર્ણય આપ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસને કારણે 65 કે તેનાથી વધુ ઉંમરના એક્ટર્સને સેટ પર આવવાનો પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે આ કેસમાં બે અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે પોતાના ચુકાદા દરમિયાન એ સવાલ પણ પૂછ્યો હતો કે, માત્ર ટીવી કે ફિલ્મ કલાકારો પર જ પ્રતિબંધ કેમ? જ્યારે 65 કે તેથી વધુ ઉંમરના લોકોને અન્ય ક્ષેત્રમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે. રાજ્ય સરકારનો આ નિર્ણય ભેદભાવ પૂર્ણ લાગી રહ્યો છે. બેન્ચે એમ પણ કહ્યું કે, કોઈ પણ વ્યક્તિને તેની આજીવિકાથી વંચિત રાખી શકાય નહીં. વરિષ્ઠ વકીલ શરણ જગતિયાનીએ પહેલાં બેન્ચને કહ્યું હતું કે, રાજ્ય સરકારે ટીવી તથા ફિલ્મના કલાકારો પર યોગ્ય આવેદન તથા કોઈ પણ જાતના કાયદાના આધાર વગર આ પ્રતિબંધ લગાવ્યો છે.

મહારાષ્ટ્ર સરકારે ફિલ્મ તથા ટીવી શૂટિંગ ફરી વાર શરૂ કરવાની પરવાનગી આપી હતી પરંતુ 10 વર્ષથી નાની ઉંમરના તથા 65 કે તેથી વધુ ઉંમરના કલાકારો કે ક્રૂના સભ્યોને સેટ પર આવવાની ચોખ્ખી ના પાડી હતી. ક્રૂના સીનિયર મેમ્બર્સ માટે આ એક મોટો પડકાર હતો કે તેઓ કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવશે. આ નિર્ણયથી ફિલ્મ તથા ટીવીના ક્રૂ સભ્યો ચિંતામાં મૂકાઈ ગયા હતા. જોકે, આ પહેલાં રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે આ પ્રતિબંધ કાયમી નથી અને 31 જુલાઈના નવા અનલૉકમાં આ નિર્ણયમાં ફેરફાર થઈ શકે છે.

આ અંગે જાણીતા પ્રોડ્યુસર આનંદ પંડિતે જણાવ્યું કે, "હું હાઇકોર્ટના આ નિર્ણયને આવકારું છું. રોગચાળાને કારણે ભલભલા લોકો હેરાન થયા છે અને ટેક્નિશ્યન્સ વેગેરેને પણ આર્થિક ફટકો પડ્યો છે. આ સંજોગોમાં જો અન્ય લોકો ધીરે ધીરે ગાડી પાટે ચઢાવતા હોય, કામ કરતા હોય તો 65 પ્લસ જેમની ઉંમર હોય તેઓ પણ શા માટે કામે પાછા ન વળગે? તેમને પણ તો પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે. સ્વાભાવિક છે કે દરેક સાવચેતીનાં પુરતાં પગલાં લઇને જ કામ કરશે."

ગત મહિને ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસિસોયેશન (IMPPA)એ રાજ્ય સરકારના આ પ્રતિબંધ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ પહેલાં વિનોદ પાંડેએ દાખલ કરેલી અરજીમાં તે હજારો સભ્યોના કામ અંગે વાત કરવામાં આવી હતી અને અપીલ કરવામાં આવી હતી કે એજ લિમિટનો નિયમ રદ્દ કરવામાં આવે.

coronavirus covid19 maharashtra bombay high court entertainment news bollywood bollywood news bollywood gossips