સામે લાખો લોકો ગરબે ઘૂમે છે એવું સતત ફીલ થઈ રહ્યું હતું

05 October, 2020 12:44 PM IST  |  Mumbai | Shailesh Nayak

સામે લાખો લોકો ગરબે ઘૂમે છે એવું સતત ફીલ થઈ રહ્યું હતું

જાવેદ અલી

 ‘તારા ડુંગરેથી ઊતર્યો વાઘ રે, હો મારી અંબાજી મા....’ નવરાત્રિનું પર્વ નજીક આવી ગયું છે ત્યારે માતાજીનો આ ગરબો બૉલીવુડના જાણીતા સિંગર જાવેદ અલીના કંઠમાં આપને સાંભળવા મળે તો અચરજ ન અનુભવતા, કેમ કે જાવેદ અલીએ તેની કારકિર્દીમાં પહેલી વાર ગરબાના આલબમમાં પોતાનો સ્વર આપ્યો છે અને દિવ્ય અનુભૂતિ સાથે માતાજીના ગરબા ગાયા છે.

સૂરમંદિર દ્વારા તૈયાર કરવામાં આવેલા ટહુકો સિરીઝના ૨૫મા ગરબા આલબમ ‘ગોરી તું ગરબે હાલ રે’માં પહેલી વાર ગરબા ગાઈ રહેલા સિંગર જાવેદ અલીએ ગરબા ગાવાના પોતાના અનુભવ વિશે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘મેં ઘણાં ગીતો ગાયાં છે, પરંતુ ગરબાનું આ મારું પહેલું આલબમ છે અને એના માટે મને એક્સાઇટમેન્ટ છે. મને એક અલગ જ એક્સ્પીરિયન્સ થયો. ગરબાનો એક અલગ જ માહોલ છે, અલગ સંગીત હોય છે. ટ્રેડિશનલ સંગીત હોય છે. બહુ જ ટ્રેડિશનલ કૉમ્પોઝિશન હોય છે અને વર્ડ્સ પણ ટ્રેડિશનલ હોય છે. ટ્રેડિશનલ સાથે જોડાવું મજેદાર રહે છે. આપણી સંસ્કૃતિ–માટી સાથે જોડાઈ રહેવું સારું રહે છે.’

ગરબાના રેકૉર્ડિંગ વખતે થયેલા દિવ્ય અનુભવને યાદ કરતાં જાવેદ અલીએ કહ્યું હતું કે ‘સાચું કહું તો હું ગરબાનું રેકૉર્ડિંગ કરી રહ્યો હતો ત્યારે એવું ફીલ કરતો હતો કે હું સ્ટેડિયમમાં છું અને સામે લાખો લોકો ગરબે ઘૂમી રહ્યા છે, ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા છે એવું ફીલ કરીને ગાયું હતું તબ જા કે બાત બની.’

જાવેદ અલીએ ગરબા ગાવા વિશેના પોતાના રહસ્ય પરથી પડદો હટાવતાં કહ્યું હતું કે ‘હું બહુ વર્ષો પહેલાં ગરબા કરી ચૂક્યો છું. ૨૦૦૧ની સાલમાં જ્યારે હું નવો હતો અને મુંબઈ આવ્યો હતો. એ સમયે કંઈ કામ નહોતું ત્યારે મને નવરાત્રિમાં ગરબા ગાવાની તક મળી હતી. એ સમયે કુમકુમનાં પગલાં પડ્યાં, જમનાને કાંઠે કાન, તારા વિના શ્યામ મને... સહિતના બહુ ગરબા યાદ કર્યા હતા અને ગાતો હતો એટલે એ ફીલ મારામાં હતી જ એ આ ગરબા આલબમમાં મને કામે આવી.’

જાવેદ અલી પાસે ગરબા ગવડાવનાર મ્યુઝિક કમ્પોઝર એડ્વિન વાઝ (અપ્પુ) એ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘જાવેદ અલીએ બે દિવસમાં ૬ ગરબા ગાવાનું રેકૉર્ડિંગ પૂરું કર્યું હતું. ‘હે ગરબો ગબ્બર ગોખેથી આવ્યો રે ઘમ્મર ઘૂમતો રે...’ આ ગરબો કૈલાશ ખેર અને જાવેદ અલીએ ડ્યુએટમાં ગાયો છે, જે કદાચ પહેલી એવી ઘટના હશે કે જેમાં બૉલીવુડના ગાયકોએ ડ્યુએટમાં ગરબો ગાયો હોય.’

entertainment news bollywood bollywood news navratri javed ali shailesh nayak