અમિતાભ બચ્ચનની દેવા ફિલ્મ અભેરાઈએ ચડી ગઈ એટલે ખલનાયક ફિલ્મ બની!

17 April, 2020 04:20 PM IST  |  Mumbai | Ashu Patel

અમિતાભ બચ્ચનની દેવા ફિલ્મ અભેરાઈએ ચડી ગઈ એટલે ખલનાયક ફિલ્મ બની!

અમિતભા બચ્ચન

‘ખલનાયક’ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી પણ એ ફિલ્મે વિવાદો પણ પુષ્કળ જગાવ્યા હતા. એક વાત એવી પણ બહાર આવી હતી કે સુભાષ ઘઈ અમિતાભ બચ્ચનને લઈને ‘દેવા’ ફિલ્મ બનાવવા માગતા હતા. પણ એ ફિલ્મ ઘણાં કારણોથી પાછી ઠેલાઈ ગઈ હતી અને સુભાષ ઘઈએ પછી એ ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યું હતું અને તેમણે એ ફિલ્મની સ્ક્રિપ્ટમાં થોડા ફેરફાર કરીને સંજય દત્તને લઈને ‘ખલનાયક’ ફિલ્મ બનાવી.

આ ફિલ્મને કારણે જેટલા વિવાદો થયા એટલા વિવાદો બહુ ઓછી ફિલ્મ માટે થયા હશે. એ ફિલ્મ બની રહી હતી એ સમય દરમિયાન જ સંજય દત્તની મુંબઈના સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટ કેસમાં અરેસ્ટ થઈ અને તેણે જેલમાંથી બહાર આવીને એ ફિલ્મનું ડબિંગ કર્યું હતું. એ ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યાં સુધીમાં સંજય દત્તનું નામ ખૂબ ખરડાઈ ચૂક્યું હતું. મુંબઈના સિરિયલ બૉમ્બ- બ્લાસ્ટ કેસમાં તેની ધરપકડ થઈ અને તેણે અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ પાસેથી શસ્ત્રો લીધાં હતાં એ બધી વાતો બહાર આવી. એને કારણે સુભાષ ઘઈ ટેન્શનમાં હતા કે આ ફિલ્મ નહીં ચાલે. તેમને એક તબક્કે અફસોસ પણ થવા લાગ્યો હતો કે નાના પાટેકરને લઈને આ સબ્જેક્ટ પરથી લો બજેટની ફિલ્મ બનાવી નાખી હોત તો સારું થાત. 

એ ફિલ્મના ગીત ‘ચોલી કે પીછે ક્યા હૈ’ને લીધે પણ ખૂબ વિવાદ થયો હતો. એક વકીલે કોર્ટમાં ફરિયાદ કરી હતી કે મારો ચાર વર્ષનો છોકરો ‘ચોલી કે પીછે ક્યા હૈ...’ ગીત ગાતો રહે છે અને આ દ્વિઅર્થી ગીતને કારણે અમે શરમજનક સ્થિતિમાં મુકાઈ રહ્યા છીએ. આવી સ્થિતિ આખા દેશમાં ઊભી થઈ રહી છે.

જોકે કોર્ટે એ અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે આ ગીતમાં કશું જ વાંધાજનક નથી.

આવા બધા વિવાદોને કારણે ઘઈને ડર હતો કે આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પિટાઈ જશે, કેમ કે મુંબઈના સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટસને કારણે સંજય દત્તની ઇમેજ પણ ખરડાઈ ચૂકી હતી અને તેની રિયલ લાઇફના ખલનાયક તરીકે ઇમેજ બની ગઈ હતી એટલે પબ્લિક તેની ફિલ્મને સ્વીકારશે નહીં એવું હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બધા માનતા હતા. સુભાષ ઘઈ પોતે પણ એ મુદ્દે ચિંતિત હતા. 

પરંતુ ૬ ઑગસ્ટ, ૧૯૯૩ના દિવસે રિલીઝ થયેલી એ ફિલ્મે બૉક્સ-ઑફિસને ટંકશાળમાં ફેરવી નાખી હતી. એ વર્ષે એ ફિલ્મ બીજા નંબરની સૌથી વધુ વકરો કરનારી ફિલ્મ સાબિત થઈ હતી. એ ફિલ્મે એ સમયમાં બૉક્સ-ઑફિસ પર અધધધ કહી શકાય એવો ૨૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને એનાથી વધુ કમાણી માત્ર ગોવિંદા અને ચંકી પાન્ડેની ‘આંખેં’ ફિલ્મે કરી હતી. એ સિવાય એ વર્ષે આવેલી ‘બાઝીગર’ સહિત કેટલીક ફિલ્મ્સ સુપરહિટ સાબિત થઈ હતી પરંતુ એનો વકરો ‘ખલનાયક’ કરતાં ઓછો હતો.

amitabh bachchan subhash ghai bollywood news ashu patel