પદ્મશ્રીથી સન્માનિત સંગીતકાર વનરાજ ભાટિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો બૉલીવુડે

08 May, 2021 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વનરાજ ભાટિયા ભારતીય ન્યુ વેવ સિનેમા માટે ખૂબ જ જાણીતા હતા. શ્યામ બેનેગલની ‘અંકુર’ અને નસીરુદ્દીન શાહની ‘જાને ભી દો યારો’ના મ્યુઝિક માટે તેઓ ખૂબ જ જાણીતા હતા.

વનરાજ ભાટિયા

પદ્મશ્રીથી સન્માનિત દિગ્ગજ સંગીતકાર વનરાજ ભાટિયાનું ૯૩ વર્ષની ઉંમરે અવસાન થયું છે. વધતી વયને કારણે થતી સમસ્યાઓથી તેઓ પીડાતા હતા. તેમના નિધનથી સોશ્યલ મીડિયામાં લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. છેલ્લે-છેલ્લે તેમને નાણાકીય તંગી પણ પડી હતી. ૨૦૧૯માં આમિર ખાને જાહેરાત કરી હતી કે તેમના જીવન પર આધારિત એક બુકના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. ત્યાર બાદ તેમની તબિયત ખરાબ હતી અને તેમને ઇન્ડિયન પર્ફોર્મિંગ રાઇટ્સ સોસાયટી દ્વારા નાણાકીય મદદ કરવામાં આવી હતી. વનરાજ ભાટિયા ભારતીય ન્યુ વેવ સિનેમા માટે ખૂબ જ જાણીતા હતા. શ્યામ બેનેગલની ‘અંકુર’ અને નસીરુદ્દીન શાહની ‘જાને ભી દો યારો’ના મ્યુઝિક માટે તેઓ ખૂબ જ જાણીતા હતા.

૭૦૦૦થી વધુ જિંગલ્સ બનાવ્યાં હતાં
વનરાજ ભાટિયાનો જન્મ ૧૯૨૭ની ૩૧મેએ મુંબઈમાં થયો હતો. તેમણે લંડનની રૉયલ ઍકૅડેમી ઑફ મ્યુઝિક અને પૅરિસ કન્ઝર્વેટરીમાં વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકની સ્ટડી કરી હતી. ત્યાર બાદ તેઓ ૧૯૫૯માં ભારત પાછા ફર્યા અને દિલ્હીની યુનિવર્સિટીની વેસ્ટર્ન મ્યુઝિકોલૉજીમાં રીડર તરીકે કામ કર્યું હતું. તેમણે લગભગ ૭ હજાર ઍડ્વર્ટાઇઝિંગ જિંગલ્સ બનાવ્યાં છે. આ સિવાય તેમણે હિન્દી ફિલ્મોમાં કર્ણપ્રિય સંગીત આપ્યું છે. તેમની ફિલ્મોમાં ‘અંકુર’, ‘જાને ભી દો યારો’, ‘બેટા’, ‘દામિની’, ‘ઘાતક’, ‘પરદેસ’ અને ‘ચમેલી’ સામેલ છે. સાથે જ તેમણે કેટલીક ટીવી સિરિયલ્સ જેવી કે ‘વાગલે કી દુનિયા’, ‘ભારત એક ખોજ’, ‘ખાનદાન’, ‘નકાબ’ અને ‘બનેગી અપની બાત’માં પણ સંગીત આપ્યું હતું. તેમને ૧૯૮૮માં આવેલી ટેલિવિઝન ફિલ્મ ‘તમસ’ માટે બેસ્ટ મ્યુઝિક ડિરેક્શનનો નૅશનલ ફિલ્મ અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

સ્મૃતિ ઈરાની 
યુનિયન ટેક્સટાઇલ મિનિસ્ટર

વનરાજ ભાટિયાના અવસાન વિશે સાંભળીને ખૂબ આંચકો લાગ્યો છે. ‘વાગલે કી દુનિયા’ અને ‘જાને ભી દો યારો’માં આપેલા યાદગાર સંગીતને કારણે તેઓ હંમેશાં યાદ રહેશે. તેમના પ્રિયજનો અને ફૅન્સ પ્રતિ શોક વ્યક્ત કરું છું.

ફરહાન અખ્તર
એક્રટર
RIP વનરાજ ભાટિયા. તેમણે પોતાના કામમાં બ્રિલિયન્ટ મ્યુઝિક આપ્યું છે. જોકે એ બધામાં મને ‘તમસ’ની થીમ ખૂબ જ પસંદ છે જે રોષને દેખાડે છે. એ સાંભળતાં જ કોઈને પણ હચમચાવી નાખે અને દિલને તોડી પાડે એવું છે.

અશોક પંડિત
સંગીતકાર
ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ વધુ એક પ્રસિદ્ધ સંગીતકાર વનરાજ ભાટિયાને ગુમાવ્યા છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમનું કામ લોકો માટે પ્રેરણા સમાન છે. આ મહાન સંગીતકારની ફૅમિલી માટે દિલથી શોક સંદેશ પાઠવું છું.

bollywood news bollywood bollywood gossips