બૉલિવૂડની આ ટૉપ અભિનેત્રીને બનવું છે ગુજરાતી ફિલ્મની હિરોઈન

22 May, 2023 02:17 PM IST  |  Mumbai | Nirali Kalani

બૉલિવૂડના શાનદાર અભિનેત્રીઓમાંની આ અભિનેત્રીને ગુજરાતી ફિલ્મમાં કામ કરવું છે. તેણીએ કહ્યું કે મને ગુજરાતી ભાષા બહુ ગમે છે અને મને આવડે પણ છે. જાણો કોણ છે આ બોલ્ડ અને શાનદાર અભિનેત્રી...?

નુસરત ભરુચા

નુસરત ભરુચા(Nushrat Bharuccha)ની ગણના બૉલિવૂડના ટૉપ અભિનેત્રીઓમાં થાય છે. ફિલ્મ જગતમાં ઓળખ બનાવવા માટે જેટલો લાંબો સમય આપ્યો હાલમાં એટલી જ તેની લોકપ્રિયતા મજબુત બની છે. અઢળક પ્રયાસો અને અથાગ પરિશ્રમ બાદ અભિનેત્રીને 100 કરોડની ફિલ્મ મળી હતી. તમને સાંભળીને નવાઈ લાગશે કે `પ્યાર કા પંચનામા` (pyaar ka punchnama) ફેમ આ અભિનેત્રીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવી છે. 

પોતાના બોલ્ડ લૂક અને શાનદાર અભિનય માટે નુસરત ભરુચા અનેક વખત હેડલાઈન્સમાં આવી છે. `જય સંતોષી માં`થી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના ઈન્ટરવ્યુમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં નુસરતે કહ્યું હતું કે `મને બહુ બધુ ગુજરાતી આવડે છે. મારા ઘરમાં બધા ગુજરાતીમાં જ વાત કરે છે. હું ઘરમાં ગુજરાતી ભાષા જ બોલું છું.`

આ જ કડીમાં નુસરતે ઉમેર્યુ કે મને ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરવાની ઈચ્છા છે. હું ઈચ્છું છે કે હું એક ગુજરાતી પાત્ર ભજવું એ પણ ગુજરાતી ભાષામાં. મને ગુજરાતી ફિલ્મો જોવાની પણ ખુબ જ ઈચ્છા થાય પણ સમયના અભાવને કારણે અને વ્યસ્ત શિડ્યુલના લીધે જોઈ શકાતી નથી. પરંતુ હવે OTT પ્લેટફોર્મની સુવિધા આવી ગઈ છે. તેથી હવે હું ગુજરાતી ફિલ્મ પણ જોઈશ. 

આ પણ વાંચો: આખરે મારી પણ પહેલી ડેટિંગ રૂમર આવી : નુસરત

નુસરત ભરુચા ગુજરાતમા ભરુચની છે. તેણે અભિનેત્રી બનવા માટે ભારે મહેનત કરી છે. લાંબા પરિશ્રમ બાદ નુસરતને એકતા કપૂરની `લવ સેક્સ ઔર ધોખા` માટે કાસ્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં નુસરતને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી. જોકે, અભિનેત્રીના કરિયરમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેણે 2011માં કાર્તિક આર્યન સાથે ફિલ્મ `પ્યાર કા પંચનામા`માં કામ કર્યું. `પ્યાર કા પંચનામા`ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો અને આ સાથે નુસરતની કારકિર્દીને પણ એક નવી દિશા મળી. જે બાદ કાર્તિક આર્યન અને નુસરત ભરૂચાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. 2015માં બંનેની ફિલ્મ `પ્યાર કા પંચનામા 2` રીલિઝ થઈ હતી અને આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

ત્યાર બાદ નુસરતે ઘણી સારી ફિલ્મમાં કામ કર્યુ. 2019માં નુસરત આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ `ડ્રીમ ગર્લ`માં જોવા મળી હતી. એકતા કપૂરની આ ફિલ્મે દર્શકોનું દિલ જીતી લીધું અને આ ફિલ્મ અભિનેત્રીના કરિયરની બીજી 100 કરોડની ફિલ્મ બની. `ડ્રીમ ગર્લ`ની જોરદાર સફળતા બાદ અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. નુસરત છેલ્લે અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ `સેલ્ફી`માં જોવા મળી હતી. નુસરતે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા જે રીતે વ્યકત કરી છે તે જોઈને લાગે છે કે ભવિષ્યમાં નુસરત ભરુચા ગુજરાતી ફિલ્મમાં પણ દેખાય શકે. 

bollywood news entertainment news nushrat bharucha gujarati film nirali kalani