Black On OTT : રાની મુખરજી ફિલ્મ ‘બ્લેક’ને ઓટીટી પર મળી રહેલા પ્રેમથી છે ખુશ

07 February, 2024 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Black On OTT : અભિનેત્રી રાની મુખરજીએ કહ્યું, `મારા માટે આ ફિલ્મ ખૂબ જ ખાસ છે`

રાની મુખરજી

સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રાની મુખરજી (Rani Mukerji) અભિનીત ફિલ્મ `બ્લેક` (Black) ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ (OTT) પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ `બ્લેક` (Black On OTT) રવિવાર ચોથી ફેબ્રુઆરીના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૫માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અત્યારે ફિલ્મને ઓટીટી પર મળી રહેલા પ્રતિસાદથી રાની મુખરજી ખૂબ ખુશ છે.

સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ની ફિલ્મ `બ્લેક` રિલીઝના ૧૯ વર્ષ બાદ તાજેતરમાં OTT પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં રાની મુખરજીના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તાજેતરમાં રાની મુખરજીએ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ફિલ્મને મળી રહેલા પ્રેમ માટે ખુશી વ્યક્ત કરી છે.

`બ્લેક`માં અમિતાભ બચ્ચન અને રાની મુખરજી મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં રાની મુખરજીએ દિવ્યાંગ છોકરીની ભૂમિકા ભજવી હતી. `બ્લેક`માં અભિનેત્રીના શાનદાર અભિનયએ બધાના દિલ જીતી લીધા હતા. રવિવાર ચાર ફેબ્રુઆરીએ ફિલ્મે તેની રિલીઝના ૧૯ વર્ષ પૂર્ણ કર્યા. આ અવસરની ઉજવણી કરીને, નિર્માતાઓએ નેટફ્લિક્સ પર ફિલ્મ રિલીઝ કરી છે.

રાની મુખરજીએ કહ્યું કે, ‘ખૂબ જ આનંદની વાત છે કે `બ્લેક`ને ૧૯ વર્ષ પછી પણ OTT પર દર્શકો તરફથી આટલો પ્રેમ મળી રહ્યો છે. મારી ફિલ્મગ્રાફીમાં આ ફિલ્મ ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો અને મારા ઓલ ટાઈમ ફેવરિટ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં કામ કરવાનો અનુભવ મારી સાથે કાયમ રહેશે. હું ખુશ છું કે ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ૧૯ વર્ષ પહેલા જ્યારે તે રિલીઝ થઈ ત્યારે થિયેટરોમાં `બ્લેક`નો જાદુ જોવાનું ચૂકી ગયેલા તમામ લોકો હવે તેને તેમની સ્ક્રીન પર જોઈ શકશે. તમારું કામ વધુને વધુ પ્રેક્ષકો સુધી પહોંચે તે બહુ ખુશીની વાત છે.’

તમને જણાવી દઈએ કે, ફિલ્મ `બ્લેક`માં અમિતાભ બચ્ચને દેબરાજ નામના શિક્ષકની ભૂમિકા ભજવી હતી, જેને મિશેલને ભણાવવાની જવાબદારી આપવામાં આવી છે. મિશેલનું પાત્ર રાની મુખરજીએ ભજવ્યું હતું. તે ન તો બોલી શકે છે કે ન તો જોઈ શકે છે. શિક્ષક બનેલા અમિતાભ બચ્ચન રાની મુખરજીને તાલીમ આપે છે, પરંતુ વધતી જતી ઉંમર સાથે તેઓ પોતે પણ અલ્ઝાઈમરનો શિકાર બને છે. તે રાની મુખરજી એટલે કે મિશેલને પણ ભૂલી જાય છે. પછી મિશેલ તેમને મદદ કરે છે અને તેમનો આધાર બને છે.

રાની મુખરજી અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ `બ્લેક`ને અત્યારે ઓટીટી પર બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

rani mukerji amitabh bachchan netflix entertainment news bollywood bollywood news