30 July, 2026 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભૂમિ પેડનેકરે શૅર કરેલી તસવીરો
બૉલિવુડ અભિનેત્રી ભૂમિ પેડણેકરે ગુરુવાર, 30 જુલાઈના રોજ ઇન્સ્ટાગ્રામ પર શિવ મંદિરમાં `શ્રાવણ` મહિનાની પૂજા કરવાની કેટલીક તસવીરો અને વીડિયો શૅર કર્યા છે. જોકે આ પોસ્ટથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ, ઘણા લોકોએ ધાર્મિક વિધિ દરમિયાન અભિનેત્રીએ પહેરેલા કપડાંનો મુદ્દો ઉઠાવ્યો છે, ખાસ કરીને મંદિરમાં સનગ્લાસ પહેરવાની પસંદગી પર ટીકા કરી છે. મંદિરમાં પ્રાર્થના કરતી વખતે, ભૂમિએ શિવલિંગને જળ અર્પણ કર્યું હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. તેણે બ્લૅક ટૉપ, વાદળી ડેનિમ જીન્સ અને બ્લૅક સનગ્લાસ પહેર્યા હતા, જેને લીધે હવે તેની ટ્રોલિંગ શરૂ થઈ છે.
કૅપ્શનમાં, ભૂમિ પેડણેકરે લખ્યું, "શ્રાવણ શરૂ થતાં, હું સરળ જીવન માટે નહીં, પરંતુ તેને ગૌરવ સાથે જીવવાની શક્તિ માટે પ્રાર્થના કરું છું. હર હર મહાદેવ." પોસ્ટ શૅર થયાના થોડા સમય પછી, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેના ફોટા અને વીડિયો પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે.
ઘણા યુઝર્સએ પ્રાર્થના દરમિયાન સનગ્લાસ પહેરવાના તેના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યા. એક યુઝરે લખ્યું, "શું તમે પ્રાર્થના કરવા માટે તમારા ચશ્મા કાઢી શક્યા ન હોત?" બીજા યુઝરે ટિપ્પણી કરી, "ઓછામાં ઓછું ચશ્મા તો ઉતારો." ત્રીજા યુઝરે લખ્યું, "મેં ક્યારેય કોઈને ચશ્મા પહેરીને પ્રાર્થના કરતા જોયા નથી." બીજી એક ટિપ્પણીમાં લખ્યું હતું, "શું તમે મંદિરમાં ભગવાનની પૂજા કરો છો કે ફોટોશૂટ કરાવો છો?" જોકે ભૂમિ પેડનેકરે અત્યાર સુધી આ ટીકાનો જાહેરમાં જવાબ આપ્યો નથી.
ભૂમિ પેડનેકર છેલ્લે અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ સાથે ફિલ્મ `મેરે હસબન્ડ કી બીવી`માં જોવા મળી હતી. તે 2026 માં રિલીઝ થયેલી વેબ સિરીઝ `દલદલ`માં પણ જોવા મળી હતી. હવે, ભૂમિ પેડનેકર ફિલ્મ `ધ પ્રાઇડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ`ના કલાકારોની લિસ્ટમાં જોડાઈ છે. આ ઐતિહાસિક ફિલ્મમાં, તે કર્ણાટકની પ્રખ્યાત યોદ્ધા રાણી બેલવાડી મલ્લમ્માની ભૂમિકા ભજવશે. `કાંતારા` અભિનેતા રિષભ શેટ્ટી ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ભૂમિ પેડણેકરે તાજેતરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જો તેને તક મળશે તો તે ચોક્કસપણે રાજકારણમાં પ્રવેશ કરશે. રાજકારણમાં પ્રવેશ કરીને કામ કરવાની પોતાની ઇચ્છા વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘જુઓ, મારા લોહીમાં મારા દેશની સેવા છે. આના કારણે જો મને સેવા કરવાની તક જે પણ સ્વરૂપમાં મળશે એને હું ઝડપી લઈશ. હું હાલમાં મારી વાર્તાઓ દ્વારા જે કરવાનો પ્રયાસ કરી રહી છું એ પણ એ જ દિશામાં છે. જો ભવિષ્યમાં મને વધુ ઊંડાણપૂર્વક આ કાર્ય કરવાની તક મળશે તો હું એના માટે તૈયાર છું. મારી વિચારધારા હંમેશાં ખૂબ સરળ રહી છે. હું મારા દેશની શક્ય એટલી વધુ સેવા કરવા માગું છું. સ્ક્રીનની બહાર હું જે કામ કરું છું એ પણ આ જ માન્યતા પર આધારિત છે. હું એવી જ વ્યક્તિ છું. આ કાર્ય કોઈ પણ સ્વરૂપ ધારણ કરે, પરંતુ મારો આશય હંમેશાં એક જ રહે છે.`