બાલામાં ડાર્ક સ્કિન કૅરૅક્ટર ભજવવાથી લોકો મને બ્રેવ કહી રહ્યા છે : ભૂમિ

11 November, 2019 01:08 PM IST  |  Mumbai

બાલામાં ડાર્ક સ્કિન કૅરૅક્ટર ભજવવાથી લોકો મને બ્રેવ કહી રહ્યા છે : ભૂમિ

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે ‘બાલા’માં તેણે ભજવેલા ડાર્ક સ્કીન કૅરૅક્ટરને કારણે લોકો તેના આ નિર્ણયને બ્રેવ કહી રહ્યા છે. આયુષ્માન ખુરાના સાથેની ૮ નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. પોતાનાં પાત્રને લઈને ભૂમિએ કહ્યું હતું કે ‘દરેક જણ મને કહી રહ્યા છે કે આ કૅરૅક્ટર ભજવીને મેં સાહસનું કામ કર્યું છે. જોકે હું તેમને કહું છું કે એક કલાકાર તરીકે મેં એ પાત્રનો સ્વીકાર કર્યો છે. કલાકારને પાત્રમાં ઓતપ્રોત થવુ પડે છે અને એ પાત્રને ફિલ્મમાં જીવંત કરવુ પડે છે એ જ અગત્યનું છે. હું હંમેશાં એ વાતની ચિંતા નથી કરતી કે સ્ક્રીન પર હું કેવી દેખાઉ છું, કારણ કે એમ કરીને હું એ ફિલ્મનાં વિઝન અને એ પાત્ર જેને મેં સ્વેચ્છાએ ભજવવાનું પસંદ કર્યું હતું એની સાથે અન્યાય કરીશ.’
ભૂમિએ આ અગાઉ આયુષ્માન ખુરાના સાથે ‘દમ લગા કે હઈશા’ અને ‘શુભ મંગલ સાવધાન’માં પણ કામ કર્યું હતું. ‘બાલા’ની સ્ક્રિપ્ટ વિશે જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘મેં જ્યારે ‘બાલા’ની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે હું એ વાત માત્રથી જ આકર્ષિત થઈ હતી કે મારું કૅરૅક્ટર એ મુખ્ય પાત્રને વાચા આપવાનું કારણ બનશે અને પરિવર્તન લાવવા માટેનું મુખ્ય સ્ત્રોત પણ બનશે. હું તરત જ એ સોશ્યલ મેસેજ સાથે જોડાઈ ગઈ જે અમારી ફિલ્મ લોકોને આપવા માગતી હતી.’
ફિલ્મને મળી રહેલા પ્રતિસાદ પર ખુશી વ્યક્ત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘હું ખૂબ ખુશ છું કે રૂઢીવાદી પરંપરાની વચ્ચે મારા કૅરૅક્ટરને લોકો દ્વારા ભરપૂર પ્રેમ અને પ્રશંસા મળી રહી છે. હું એક આઇનો બની છું જે દર્શાવે છે કે આત્મ-સન્માન અને પોતાની જાતને પ્રેમ કરવો બધા કરતાં ખૂબ મહત્ત્વનું છે. એક સ્ટ્રૉન્ગ મેસેજ આપવાની સાથે જ લોકોને મનોરંજન પૂરુ પાડવું એ પણ એક કળા છે. અમારી ફિલ્મનાં ડિરેક્ટર અમર કૌશિકે એ બાબતને ખૂબ જ કુશળતાથી રજુ કરી છે. બૉક્સ-ઑફિસ પર ફિલ્મને મળી રહેલા રિસ્પોન્સને લઈને અમર, આયુષ્માન, યામી, દિનેશ વિજન અને પાવરફૂલ કાસ્ટ મેમ્બર્સની સાથે જ જે લોકો પણ આ ફિલ્મ સાથે સંકળાયેલા છે એ બધાને હું શુભકામના આપુ છું.’

bhumi pednekar ayushmann khurrana