મૅડમ ચીફ મિનિસ્ટર માટે ભીમ સેનાએ મારવાની ધમકી આપી રિચા ચઢ્ઢાને

19 January, 2021 04:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૅડમ ચીફ મિનિસ્ટર માટે ભીમ સેનાએ મારવાની ધમકી આપી રિચા ચઢ્ઢાને

મૅડમ ચીફ મિનિસ્ટરનું પોસ્ટર

રિચા ચઢ્ઢાની આગામી ફિલ્મ ‘મૅડમ ચીફ મિનિસ્ટર’ને લઈને ભીમ સેનાએ તેને મારવાની ધમકી આપી છે. સાથે જ તેની જીભ કાપી લાવનારને બાબાસાહેબ આંબેડકરની 2 કરોડની કિંમતવાળા કવચથી સન્માનિત કરવામાં આવશે. આ ફિલ્મનું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારથી જ ફિલ્મ વિવાદના વમળમાં સપડાઈ છે. પોસ્ટરમાં રિચાના હાથમાં ઝાડુ દેખાડવામાં આવ્યું છે. એથી દલિત સમાજને અપમાન થયું હોય એવું લાગી રહ્યું છે. આ ફિલ્મ ઉત્તર પ્રદેશની ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીના જીવન પર બની હોવાનું મનાઈ રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર પણ હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે અને ટ્રેલરની શરૂઆતમાં જ લખવામાં આવ્યું છે કે આ ફિલ્મની સ્ટોરી અને પાત્રો કાલ્પનિક છે. આમ છતાં ભીમ સેનાના લીડર નવાબ સતપાલ તન્વરને લાગે છે કે આ ફિલ્મમાં માયાવતીનું જીવન અને કેટલીક ઘટનાઓને ખોટી રીતે દેખાડવામાં આવી છે. સાથે જ ફિલ્મના ડિરેક્ટર સુભાષ કપૂરને લઈને પણ તેણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભીમ સેનાના લીડર નવાબ સતપાલ તન્વરે કહ્યું હતું કે ‘જે વ્યક્તિ રિચાની જીભ કાપી લાવશે તેને બાબાસાહેબ આંબેડકરની 2 કરોડની કિંમતવાળા કવચથી સન્માનિત કરવામાં આવશે. આ ફિલ્મ જો રિલીઝ થઈ તો ફિલ્મનાં પોસ્ટર્સની સાથે જ થિયેટર્સને પણ આગ લગાવવામાં આવશે. ફિલ્મના ડિરેક્ટર સુભાષ કપૂરને કિડનૅપ કરીને લઈને આવનારને પણ ઇનામ આપવામાં આવશે. તેને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર તેની પરેડ કાઢવામાં આવશે.’

ભીમ સેનાના આ ઇન્ટરવ્યુની ક્લિપને ટ્વિટર પર શૅર કરીને રિચાએ ટ્વીટ કર્યું હતું કે હમ નહીં ડરતે.

entertainment news bollywood bollywood news upcoming movie richa chadda richa chadha