‘બેશરમ રંગ’ ગીત સેન્સ્યુઅલ અને સેક્સી હોવાથી લોકો એને ખૂબ એન્જૉય કરશે : વિશાલ દાદલાણી

16 December, 2022 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગીતને લઈને ચાલતા વિવાદની વચ્ચે તેણે પ્રશંસા કરી

વિશાલ દાદલાણી અને શેખર રવજિયાણી

‘બેશરમ રંગ’ ગીતનું મ્યુઝિક કમ્પોઝ કરનારા વિશાલ દાદલાણીએ જણાવ્યું છે કે આ ગીત  સેન્સ્યુઅલ અને સેક્સી હોવાથી લોકો એને ખૂબ એન્જૉય કરશે. આ ગીતને તેણે શેખર રવજિયાણી સાથે મળીને કમ્પોઝ કર્યું છે. ગીતના કૉસ્ચ્યુમ અને સીન્સને લઈને વિવાદ ઊભો થયો છે. એવામાં આ બન્ને આ ગીતની પ્રશંસા કરતાં થાકતા નથી. વિશાલ દાદલાણીએ કહ્યું કે ‘‘બેશરમ રંગ’ એક અનોખું ગીત છે. એ વિવિધ પ્રકારનો એક સંગમ છે. જૂની મેલડીને મૉડર્ન બીટ સાથે જેમ કે આફ્રો બીટ, પરંતુ ઇલેક્ટ્રિક સાથે બનાવવામાં આવ્યું છે. એ ગીતની એક વાત જે મને ખૂબ ગમે છે કે જ્યારે શિલ્પા ગાય છે તો એ ટ્રેડિશનલ ઇન્ડિયન મેલડી સંભળાય છે. કેરાલિસા અને મેં એના સ્પૅનિશ વર્ઝનને ગાયું તો એ ઑથેન્ટિક લાગે છે. એ ગીતને બનાવવામાં ખૂબ મજા આવી. મને લાગે છે કે સિદ્ધાર્થ આનંદ પણ એ ગીત દ્વારા લોકોને આકર્ષિત કરવા માગતો હતો. લીડ ફીમેલ જ્યારે એને ગાય છે તો એ સેન્સ્યુઅલ અને ખૂબ આગળ પડતું લાગે છે. એ સેક્સી અને ફન ગીત છે. લોકોને પણ આ ગીત પર ડાન્સ કરવો ગમશે. અનેક લોકોએ આ ગીત બનાવવામાં પ્રાણ પૂર્યા છે. આશા છે કે દરેક એને એન્જૉય કરશે.’

 તો બીજી તરફ આ ગીતને લઈને શેખરે કહ્યું કે ‘બાળપણમાં જે જૂનાં ગીતો સાંભળીને મોટાં થયા એના પરથી પ્રેરિત છે ‘બેશરમ રંગ’, પરંતુ એમાં વર્તમાન સમયની વાઇબ અને સાઉન્ડ છે. સિદ્ધાર્થ અને અમારા સંબંધો ખૂબ જૂના છે. આ ભાગીદારીની શરૂઆત ફ્રેન્ડશિપ અને પરસ્પર સમજથી થઈ હતી. આ એક દુર્લભ રિલેશનશિપ છે કે જેમાં અપાર પૅશન, સંગીત પ્રત્યેનો પ્રેમ અને સંગીતમાં શું મે‍ળવવા માગીએ છીએ એની પરસ્પર સમજૂતી છે. અમારી પાર્ટનરશિપની સફળતાનું શ્રેય મ્યુઝિકની પ્રોસેસમાં મળતો આનંદ છે અને આ આનંદ સ્પષ્ટ દેખાય છે જ્યારે દર્શકો આ ગીત જુએ છે.’

‘પઠાન’ની વધી ગઈ મુસીબત : ઇન્દોરમાં શાહરુખ ખાનના પૂતળાનું થયું દહન

‘પઠાન’ની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. લોકોએ પોતાનો રોષ વ્યક્ત કરતાં ઇન્દોરમાં શાહરુખ ખાનના પૂતળાનું દહન કર્યું છે. મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ પણ અગાઉ ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’માં દીપિકા પાદુકોણે પહેરેલા સૅફ્રન કૉસ્ચ્યુમને લઈને વાંધો ઉઠાવ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે પચીસ જાન્યુઆરીએ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. ઇન્દોરના વીર શિવાજી ગ્રુપે રસ્તાઓ પર ઊતરીને વિરોધ-પ્રદર્શન કર્યો અને તેમણે જણાવ્યું છે કે શાહરુખ અને દીપિકાએ હિન્દુ લાગણીને ઠેસ પહોંચાડી છે. એથી ફિલ્મની રિલીઝને અટકાવવાની પણ તેમણે માગણી કરી છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં બીજેપીના નેતા રાજેશ કેસરવાનીએ કહ્યું કે ‘આ ફિલ્મના ગીતમાં અશ્લીલતાની સાથે સૅફ્રન રંગને સાથે દેખાડવામાં આવ્યો છે અને એ હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિનું અપમાન છે. એથી અમે અમારી લાગણી રજૂ કરી છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood vishal dadlani Shah Rukh Khan