23 July, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન અને સોનાલી બેન્દ્રે
હાલમાં નીતેશ તિવારીની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મનો પહેલો ભાગ દિવાળી ૨૦૨૬માં અને બીજો ભાગ દિવાળી ૨૦૨૭માં રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી ભગવાન રામ અને માતા સીતાના રોલમાં છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે રણબીર પહેલાં એક વખત સલમાન ખાનને પણ ભગવાન રામ બનવાનો ચાન્સ મળ્યો હતો. આ ફિલ્મનું ૪૦ ટકા શૂટિંગ આટોપાઈ ગયું હતું, પણ પછી નજીવાં કારણોસર આ ફિલ્મ ડબ્બાબંધ થઈ ગઈ હતી.
રિપોર્ટ પ્રમાણે ૧૯૯૦ના દાયકામાં સલમાન ખાનના ભાઈ સોહેલ ખાને ‘રામાયણ’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી જેની તૈયારીઓ ઝડપથી શરૂ થઈ હતી. ફિલ્મમાં સલમાન રામના અને સોનાલી બેન્દ્રે સીતાના રોલમાં હતાં. પૂજા ભટ્ટ પણ ફિલ્મનો ભાગ હતી. ફિલ્મનું ૪૦ ટકા શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું હતું અને સલમાને રામના લુકમાં પ્રમોશન પણ શરૂ કરી દીધું હતું.
જોકે શૂટિંગ દરમ્યાન સોહેલ અને પૂજા ભટ્ટની નિકટતા વધી અને તેમના અફેરની ચર્ચા થવા લાગી. જ્યારે સોહેલના પિતા સલીમ ખાનને આ વાતની જાણ થઈ તો તેમણે સોહેલને પૂજાથી દૂર રહેવાની સલાહ આપી. પૂજાને લાગ્યું કે સલમાન તેમના પ્રેમપ્રકરણની વિરુદ્ધ છે જેના કારણે તેણે ફિલ્મ છોડી દીધી. આ પછી ફિલ્મનું પ્રોડક્શન બંધ થઈ ગયું અને આ ફિલ્મ પૂરી ન થઈ શકી. આખરે આ ફિલ્મ ડબ્બાબંધ થઈ ગઈ.