09 February, 2025 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘બૅડઍસ રવિ કુમાર’ અને ‘લવયાપા’ ફિલ્મ પોસ્ટર
એક તરફ આમિર ખાનના પુત્ર જુનૈદ અને ખુશી કપૂરની ‘લવયાપા’ છે અને બીજી તરફ હિમેશ રેશમિયાની ‘બૅડઍસ રવિ કુમાર’ છે. ‘લવયાપા’ની પબ્લિસિટી જોરશોરથી થઈ છે, જ્યારે હિમેશની ફિલ્મ આ મામલે પાછળ રહી. જોકે આમ છતાં કમાણીના મામલે ‘બૅડઍસ રવિ કુમાર’ આગળ રહી છે.
૨૦૨૨માં તામિલ ફિલ્મ ‘લવ ટુડે’ આવી હતી. આ ફિલ્મની હિન્દી રીમેક છે ‘લવયાપા’. ફિલ્મની સ્ટોરી છે દિલ્હી ખાતે રહેતા ગૌરવ અને બાનીની. તેઓ ઇન્સ્ટાગ્રામ પર મળ્યાં અને તેમની મુલાકાત ડેટમાં ફેરવાઈ. આ પછી તેઓ લગ્ન માટે તૈયાર થાય છે, પરંતુ બાનીના પિતા એક શરત મૂકે છે જેમાં ગૌરવ અને બાનીને ૨૪ કલાક માટે પોતાનો ફોન એક્સચેન્જ કરવો પડે છે. અહીંથી શરૂ થાય છે તમામ ગરબડ.
‘લવયાપા’એ રિલીઝના પહેલા દિવસે અપેક્ષા કરતાં ઓછી કમાણી કરી છે. એક રિપોર્ટ મુજબ આ ફિલ્મે ૧.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આની સરખામણીમાં હિમેશ રેશમિયા સ્ટારર ‘બૅડઍસ રવિ કુમાર’ની વાર્તા એક પોલીસવાળાની છે જે કાયદાની પ્રક્રિયાથી કંઈક અલગ થઈને કામ કરે છે. તે દેશ સાથે જોડાયેલાં રહસ્યોની રક્ષા કરવા માટે એક મિશન પર છે. રવિ કુમાર આ ફિલ્મનો હીરો છે અને તે ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે બદમાશો પર પોતાની ગોળીઓથી જ નહીં, ડાયલૉગ્સથી પણ વાર કરે છે. આ ફિલ્મે પહેલા દિવસે ‘લવયાપા’ને પાછળ મૂકીને સારી કમાણી કરી છે. લગભગ ૨૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ૨.૭૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.