સોની મૅક્સ પર ‘થામા’નું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર 21 માર્ચે

13 March, 2026 05:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડ ઍક્ટર આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અભિનીત ફિલ્મ થામા (Thamma)નું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર 21 માર્ચ 2026ના રોજ રાત્રે 8 વાગ્યે Sony MAX પર થશે.

થામા

મુંબઈ: ઍક્ટર આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અભિનીત ફિલ્મ થામા (Thamma)નું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર 21 માર્ચ 2026ના રોજ રાત્રે 8 વાગ્યે Sony MAX પર થશે. આ પ્રસંગે ફિલ્મના નિર્દેશક આદિત્ય સરપોતદાર (Aditya Sarpotdar)એ ફિલ્મ અને તેમાં આયુષ્માન ખુરાનાની ભૂમિકા વિશે માહિતી આપી.

આયુષ્માન ખુરાના ફર્સ્ટ ચૉઇસ

આદિત્ય સરપોતદારે જણાવ્યું કે તેઓ લાંબા સમયથી આયુષ્માન ખુરાનાની સાથે કામ કરવા માગતા હતા. તેમણે કહ્યું કે આ ફિલ્મ માટે શરૂઆતથી જ આયુષ્માન તેમની પ્રથમ પસંદગી હતા. તેમણે જણાવ્યું, “આયુષ્માનમાં એવી ભાવનાત્મક સચ્ચાઈ છે કે દર્શકો તેમની સાથે તરત જોડાઈ જાય છે, ભલે વાર્તા કેટલીય અસામાન્ય હોય. અમને એવા અભિનેતાની જરૂર હતી જે એક અલગ પ્રકારની કથાને પણ વિશ્વસનીય બનાવી શકે. આયુષ્માન આ કામ સહજ રીતે કરી શકે છે.”

ફિલ્મની વાર્તા અને પાત્રો

ફિલ્મમાં આયુષ્માન ખુરાના આલોક ગોયલ નામના શહેરમાં કામ કરતા પત્રકારનું પાત્ર ભજવે છે. તેની સામાન્ય જિંદગી ત્યારે બદલાઈ જાય છે જ્યારે તે તાડકા અથવા તારિકા નામના પાત્ર સાથે પ્રેમમાં પડે છે. આ પાત્ર રશ્મિકા મંદાનાએ ભજવ્યું છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી, પરેશ રાવલ અને સત્યરાજ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.

મેડડોક હોરર કોમેડી યુનિવર્સનો ભાગ

‘થામા’ Maddock Filmsના હોરર કોમેડી યુનિવર્સનો પાંચમો ભાગ છે. આ સિરીઝમાં અગાઉ Stree, Roohi, Bhediya, Munjya અને Stree 2 જેવી ફિલ્મો આવી ચૂકી છે. આ ફિલ્મમાં પ્રેમ, રહસ્ય અને માઇથોલોજી સાથે જોડાયેલા તત્ત્વોને આધારે એક અલગ પ્રકારની કથા રજૂ કરવામાં આવી છે. ફિલ્મ ‘બ્યુટી ઍન્ડ ધ બીસ્ટ’ જેવા ક્લાસિક કન્સેપ્ટને આધુનિક રીતે રજૂ કરે છે અને માનવીય ભાવનાઓને કેન્દ્રમાં રાખીને વાર્તા આગળ વધારે છે. ‘થામા’નું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર 21 માર્ચ 2026ના રોજ રાત્રે 8 વાગ્યે સોની મૅક્સ પર પ્રસારિત થશે.

ઉલ્લેખનીય છે કે, રશ્મિકા મંદાના અને આયુષ્માન ખુરાનાની ‘થામા’ ૨૧ ઑક્ટોબરે રિલીઝ થઈ ગઈ હતી. ત્યારે આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી U/A સર્ટિફિકેટ મળ્યું. જોકે આ સર્ટિફિકેટ આપતાં પહેલાં ફિલ્મના કેટલાક સંવાદો બદલવામાં આવ્યા હતા તેમ જ ફિલ્મની વચ્ચે એક સીન દરમ્યાન સ્ક્રીન પર ‘ધૂમ્રપાન હાનિકારક છે’નો સંદેશ મૂકવાનું કહેવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સેન્સર બોર્ડે આયુષ્માન અને રશ્મિકા વચ્ચે ફિલ્માવવામાં આવેલા રોમૅન્ટિક સીનનો સમય લગભગ ૩૦ ટકા સુધી ઘટાડી દીધો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આયુષ્માન ખુરાના ટૂંક સમયમાં જ ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ની સિક્વલમાં લીડ એક્ટર તરીકે આયુષ્માન ખુરાના જોવા મળશે. ‘પતિ પત્ની ઔર વો’માં કાર્તિક આર્યન પત્ની અને પ્રેમિકા વચ્ચે ફસાયેલો જોવા મળ્યો હતો, જ્યારે હવે ‘પતિ પત્ની ઔર વો દો’માં આયુષ્માન ખુરાના ત્રણ-ત્રણ હસીનાઓ વચ્ચે ફસાતો જોવા મળશે. આ ફિલ્મની રિલીઝની તારીખ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. ‘પતિ પત્ની ઔર વો દો’ હવે પંદર મેના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે વામિકા ગબ્બી, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

ayushmann khurrana rashmika mandanna paresh rawal nawazuddin siddiqui bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news