03 October, 2026 04:16 PM IST | Mumbai | Jigisha Jain
પત્ની અને દીકરા સાથે આતિશ કાપડિયા.
નાનાં બાળકોનાં સપનાંઓ તો કેટલાંય હોય, પણ જેમ ઉંમર વધે એમ એ વધુ ને વધુ ધૂંધળાં થતાં જાય. જોકે લેખક, દિગ્દર્શક અને પ્રોડ્યુસર આતિશ કાપડિયાને ખૂબ નાની ઉંમરથી જ સ્પષ્ટતા હતી કે મોટા થઈને ઍક્ટર બનવું છે, નાટકોમાં કામ કરવું છે અને મોટા થતાં-થતાં એ એક જુનૂનમાં પરિણમી. નાટકોની એ દુનિયા તેમને ટીવી અને ફિલ્મો સુધી લઈ ગઈ. ‘ ખિચડી’ અને ‘સારાભાઈ vs સારાભાઈ’ જેવા ખૂબ જ પ્રખ્યાત શોનાં અતિ યાદગાર પાત્રો લખનાર લેખકના અંગત જીવનમાં ડોકિયું કરીએ તો તેમની ખુદની પાત્રતા પર તમે ઓવારી જશો. હાલમાં તેમની લખેલી અને દિગ્દર્શિત કરેલી ‘ચુંબક’ નામની વેબ-સિરીઝ ધૂમ મચાવી રહી છે ત્યારે આ ૫૯ વર્ષના જાણીતા કલાકાર વિશે કેટલુંક જાણવા જેવું
૧૯૭૨ આસપાસનો સમય. વિલે પાર્લેમાં રહેતા અને કાપડનો બિઝનેસ કરતા એક શ્રીમંત સંયુક્ત પરિવારને ત્યાં તેમના પાડોશી લેખક હરિન મહેતા તેમણે લખેલા નાટક ‘માંડવાની જૂઈ’ની કૉમ્પ્લિમેન્ટરી ટિકિટો લઈને આવ્યા હતા. પાંચ વર્ષનો આતિશ દોડીને ગયો અને કહ્યું કે હું તો આવીશ જ. ઘરમાં બધાએ કહ્યું કે તું તો નાનો છે, તને શું ખબર પડે? પણ આતિશે કહ્યું કે ના, હું તો જઈશ જ. એ પહેલાં પણ આતિશ નાટકો જોવા ગયો હતો. તેને એમાં ખૂબ મજા આવતી. નાટકનો પડદો ઊંચકાય ત્યારે આ નાનકડું બાળક વિસ્મય સાથે એ દુનિયાને નિહાળતો અને ત્યારે જ તેના બાળમનમાં એ ઇચ્છા જાગૃત થઈ હતી કે ક્યારે હું આ સ્ટેજ પર જાઉં અને હું પણ પર્ફોર્મ કરું. આટલી નાની ઉંમરે ‘કેવડાનો ડંખ’ અને ‘વિસામો’ જેવાં નાટકો પણ તેણે જોયાં હતાં એટલે જ કોઈ વડીલે આદત મુજબ તેને પૂછ્યું કે બેટા આતિશ, મોટા થઈને તારે શું બનવું છે? ત્યારે પાંચ વર્ષના આતિશે કહ્યું, ‘ઍક્ટર.’ આ વાત પર તેઓ ખડખડાટ હસી પડેલા. એ વિશે વાત કરતાં આતિશભાઈ કહે છે, ‘મને એ બનાવ તાદૃશ છે. મને ખૂબ ગુસ્સો આવેલો એ કાકા પર. એ બાળસહજ વાત નહોતી. એ ઉંમરથી મારી અંદર એટલી સ્પષ્ટતા હતી કે મને આ ગમે છે અને મારે આ કરવું છે. નાનાં બાળકો ઘર-ઘર રમે, હું નાટક-નાટક રમતો.’
લગભગ ૧૮ વર્ષની યુવાન વયે જ્યારે તેઓ રંગમંચના બૅકસ્ટેજનું કામ શીખતા હતા ત્યારે તેમના ગુરુ સ્વ. મહેન્દ્ર જોશી પાસે જઈને, અધીરા થઈને તેમણે કહ્યું હતું કે મને એવું કંઈક કામ આપો જેમાં હું ન હોઉં તો નાટક અટકી પડે. તેનો રસ જોઈને મહેન્દ્ર જોશીએ કહ્યું હતું, ‘હું અશ્વત્થામા પર એક નાટક કરી રહ્યો છું. એમાં અલગ-અલગ ઉંમરનાં પાંચ સ્ટેજ છે આ પાત્રના. તું બાળઅશ્વત્થામા બનીશ? પણ એમાં મુંડન કરાવવું પડશે.’ આતિશે કહ્યું, ‘ચોક્કસ. હું કરીશ.’ બીજા દિવસે તે મુંડન કરાવીને હાજર. મહેન્દ્ર જોશી તેને જોતા રહી ગયા. તેમણે કહ્યું, ‘શોના આગલા દિવસે મુંડન કરાવવાનું હતું, તેં પહેલેથી કેમ કરાવી નાખ્યું.’ ત્યારે આતિશે તેમને કહ્યું, ‘શો પહેલાં પણ ફરી કરાવી લઈશ, પણ આજે એટલે કરાવ્યું કે તમે આ રોલ કોઈ બીજાને ન આપશો. હું જ કરીશ.’ આ દિવસને યાદ કરતાં આતિશભાઈ કહે છે, ‘નાનપણમાં જે સ્પષ્ટતા હતી મારી અંદર એ મોટા થતાં-થતાં જુનૂનમાં પરિણમી હતી. કામ કરવું જ છે કંઈ પણ થાય, પણ કરવું છે. મારી આ ધખના હજી પણ એવી ને એવી જ છે અને એ ટકી રહેશે. કામ કરતાં-કરતાં મને સમજાયું કે હું ઍક્ટર ઠીકઠાક છું અને લખું છું સારું. એટલે ઍક્ટિંગ ઓછી કરીને લેખન પર વધુ ધ્યાન આપ્યું.’
કરીઅર
‘સારાભાઈ vs સારાભાઈ’ અને ‘ખિચડી’ જેવા બે સુપરડુપર ટીવી-શો દ્વારા ખ્યાતનામ બનેલા લેખક, દિગ્દર્શક અને પ્રોડ્યુસર આતિશ કાપડિયાએ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. ‘પુષ્પા ઇમ્પૉસિબલ’, ‘વાગલે કી દુનિયા’, ‘હૅપી ફૅમિલી કન્ડિશન્સ અપ્લાય’, ‘ભાખરવડી’, ‘એક દૂસરે સે કરતે હૈં પ્યાર હમ’, ‘બા, બહૂ ઔર બેબી’, ‘જસુબેન જયંતીલાલ જોશી કી જૉઇન્ટ ફૅમિલી’ જેવી ખાસ્સી પૉપ્યુલર સિરિયલો તેમણે લખી છે. એટલું જ નહીં, ‘ઍક્શન રીપ્લે’, ‘મન’, ‘વક્ત-ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ’, ‘આંખેં’, ‘યાદેં’, ‘જોશ’ જેવી હિન્દી ફિલ્મો પણ તેમણે લખી છે. હાલમાં નેટફ્લિક્સ પર ‘ચુંબક’ નામની તેમની વેબ-સિરીઝ અત્યંત લોકપ્રિય થઈ રહી છે. અલગ-અલગ માધ્યમો માટે તેઓ લખે છે અને એક જ વાર્તાને કે એનાં પાત્રોને જુદાં-જુદાં માધ્યમોમાં પાર પાડી શકવાનું કૌવત તેમનામાં છે. જેમ કે તેમનું લખેલું ‘આંધળો પાટો’ ગુજરાતી નાટક સફળ થયું હતું અને એના પરથી હિન્દી ફિલ્મ ‘આંખેં’ બની. તેમની લખેલી ગુજરાતી સિરિયલ ‘સપનાનાં વાવેતર’નું હિન્દીકરણ પણ થયું અને ‘એક મહલ હો સપનોં કા’ બની જે પણ એક સફળ શો સાબિત થયો. ‘સારાભાઈ vs સારાભાઈ’ એક સમયે ફ્લૉપ મનાયો અને વર્ષો પછી એકદમ જ એની લોકપ્રિયતા એવી તો વધી કે આજે પણ એના ફૅન્સ છે.’
નાનપણ
આતિશભાઈ નાના હતા ત્યારે જ તેમનો અતિશય સમૃદ્ધ પરિવાર એકદમથી રંક અવસ્થામાં પહોંચી ગયો હતો. જમનાબાઈ નરસી સ્કૂલમાં બીજા ધોરણ સુધી ભણ્યા, પરંતુ એ પછી એટલા બધા ગરીબ થઈ ગયા કે ટૉઇલેટ જેવી મૂળભૂત ફૅસિલિટી પણ ન હોય એવી સ્કૂલમાં તેમણે જવું પડ્યું. એ દિવસો યાદ કરતાં આતિશભાઈ કહે છે, ‘મને વાંચવું ખૂબ ગમતું. જાહોજલાલી હતી ત્યારે ઘરે લાઇબ્રેરિયન આવતા, અમારા માટે ટીનટીન અને આર્ચીઝ લઈને. એ પછી પાઠ્યપુસ્તકો સિવાય કશું ખરીદવાનું ગજું નહોતું. આઠમા ધોરણમાં સરલા સર્જન ઇંગ્લિશ સ્કૂલમાં ગયો ત્યારે ત્યાંનાં શિક્ષક સોનલ વ્યાસે મને ઘણું પ્રોત્સાહન આપ્યું. તેમણે મને કહ્યું કે આતિશ, તું સરસ લખે છે, બધાને ખૂબ હસાવે છે. તેમની પ્રેરણાથી આઠમા ધોરણમાં મેં પહેલું નાટક લખ્યું
અને ભજવ્યું.’
મિત્રતા
દસમા પછી એન. એમ કૉલેજ ઑફ કૉમર્સ તેમણે એટલે પસંદ કરી કેમ કે ત્યાં નાટકો ખૂબ થતાં. ઍડ્મિશન પછી નોટિસ બોર્ડ પર તેમણે સૂચના જોઈ કે નાટકમાં ભાગ લેવો હોય તો મળો જમનાદાસ મજીઠિયાને. તરત આતિશભાઈ નિયત જગ્યાએ પાંચ મિનિટ પહેલાં જ પહોંચી ગયા અને જોયું તો તેમનાથી એકાદ વર્ષ સિનિયર જેડીભાઈ ત્યાં આવ્યા. એ કિસ્સો યાદ કરતાં આતિશભાઈ કહે છે, ‘મને લાગ્યું હતું કે જમનાદાસ નામના તો કોઈ પ્રોફેસર આવશે. એ સમયે એન.એમ.માં જેડીની લોકપ્રિયતા ખૂબ હતી. મારી પાસે બે લાઇન બોલાવીને તેણે કહ્યું તું આવી જા. આમ મેં ‘સિન્ગિંગ પૉલિટિશ્યન’ નામનું જેડીએ લખેલું નાટક કર્યું. આજે અમારી મૈત્રીને ૪૪ વર્ષ થઈ ગયાં છે. ઇન્ટર-કૉલેજ સ્પર્ધાઓમાં ભાગ લઈ-લઈને હું સ્વ. મહેન્દ્ર જોશી, સ્વ. નીરજ વોરાને મળ્યો. તે લોકોએ મને નાટકોમાં કામ કરવાનો મોકો આપ્યો. આ દરમ્યાન મેં ‘ખેલૈયા’માં રોલ કર્યો. નાટકો કરતાં-કરતાં જ મને મારા પરમ મિત્રો મળ્યા જે. ડી. મજીઠિયા, પરેશ ગણાત્રા, વિપુલ અમૃતલાલ શાહ અને દેવેન ભોજાણી. અમારા પાંચેયની મિત્રતા આટલાં વર્ષે પણ અકબંધ છે. અમે એકબીજાના સુખ-દુખના સાથી છીએ.’
લેખન
આતિશભાઈએ MBA પણ કર્યું છે. નાનપણથી તેઓ ટ્યુશન કરીને, નાની-મોટી નોકરીઓ કરીને ખુદ પૂરતું કમાઈ લેતા. નાટકોની સાથે-સાથે તેમણે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં માર્કેટિંગની જૉબ પણ કરી. એ પછી જાણીતાં પ્રોડ્યુસર શોભના દેસાઈ અને વિપુલ શાહે તેમને એક કન્સેપ્ટ જણાવ્યો કે ૩ આંધળા માણસો બૅન્ક-રૉબરી કરે છે જે પસંદ પડતાં આતિશ કાપડિયાએ ‘આંધળો પાટો’ નામનું નાટક લખ્યું અને તેમણે જ ડિરેક્ટ કર્યું જેના પરથી આગળ જતાં ‘આંખેં’ નામની હિન્દી ફિલ્મ બની. એ પછી સરિતા જોશીએ એક દિવસ કહ્યું કે આતિશ, તું મારા માટે એક નાટક લખ. એ ક્ષણ યાદ કરતાં આતિશભાઈ કહે છે, ‘હું અને જેડી એ દિવસે સ્તબ્ધ થઈ ગયેલા. ‘ધ સરિતા જોશી’ તમને ખુદ સામે ચાલીને કહે છે કે તું મારા માટે લખ એ કેટલી મોટી વાત છે! મેં તેમના માટે ‘થૅન્ક યુ કોકિલા’ નાટક લખ્યું જે સુપરહિટ રહ્યું. આ નાટકનાં વખાણ ફિરોઝ અબ્બાસ ખાને કર્યાં ત્યારે મને લાગ્યું કે મને આ કામ આવડે છે અને હું આના થકી ભૂખ્યો તો નહીં મરું. આ પળે મારાં સપનાંઓમાં મારો આત્મવિશ્વાસ રેડાયો. ‘એકબીજાને ગમતાં રહીએ’ નામનું એક હજી સફળ નાટક હતું જેના પરથી એક ગુજરાતી ફિલ્મ બનાવવાનું અમે વિચારી રહ્યા છીએ.’
યાદગાર પ્રસંગ
હાલમાં આવેલી ‘ચુંબક’ વેબ-સિરીઝનો એક બનાવ યાદ કરતાં આતિશભાઈ કહે છે, ‘મારામાં બે જુદા માણસો વસે છે. એમાંથી એક લેખક છે અને બીજો દિગ્દર્શક. એક સમય હતો જ્યારે દિગ્દર્શક પર લેખક હાવી થઈ જતો, જ્યારે આજે હું તે બન્નેને અલગ રાખી શકવા સમર્થ બન્યો છું. સેટ પર હું મારી જ લખેલી સ્ક્રિપ્ટમાં ઘણા સુધારા-વધારા કરતો રહું છું. મને આદત છે કે ઍક્ટરને ક્યાંથી શરૂ કરવું એનો ક્યુ હું જ આપું. તો નીનાજીને એ ફાવે એમ નહોતું. તેમને હતું કે બીજા ઍક્ટર જ તેમને ક્યુ આપે. મેં તેમને કહ્યું કે તમને જેમ ફાવે એમ આપણે કરીએ, પરંતુ બીજા ઍક્ટર્સ જે મારી પાસેથી ક્યુ લઈ રહ્યા હતા તેમને હું સમજાવી રહ્યો હતો કે આમ નહીં, આમ કર. મારી સલાહને કારણે તેમનો પર્ફોર્મન્સ ઘણો સારો થઈ રહ્યો હતો એટલે નીનાજીએ કહ્યું આતિશ, તું જેમ કરે છે એમ ટ્રાય કરીએ, મને લાગે છે કે એમ વધુ સારું રહેશે. હું એ દિવસે ખુશ હતો. જો તેમના જેવા દિગ્ગજ કલાકાર પણ આવી આસ્થા રાખતાં હોય અને મારી ઢબે કામ કરવા માગતાં હોય તો તેમણે મારી પીઠ થાબડી હોય એવો આનંદ ચોક્કસ થાય.’
તેમનાં પાત્રો
હંસા હોય કે માયા સારાભાઈ, ગટ્ટુ હોય કે બેબી; તમારાં પાત્રો કેટલાં અલગ છે! આવી કલ્પનાઓ કેવી રીતે સૂઝે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં આતિશભાઈ કહે છે, ‘મેં જેટલાં પણ પાત્રો બનાવ્યાં છે એ બધાં મારા જીવનમાં છે એટલે તેમને જોઈને મેં આ કલ્પનાઓ કરી છે. હંસાનું પાત્ર મારી માતામાંથી મેં ઉતાર્યું છે. તેને રસોઈ કરવી બિલકુલ ગમતી નહીં. તેને જ્યારે કામનો હરખ ચડે કે હું વાસણ ઊટકીશ ત્યારે ઘરમાં બધા ગભરાઈ જતા, પણ તે દિલની ખૂબ જ ભોળી હતી. એવી જ રીતે પ્રફુલની વાત કરું તો પ્રફુલ હંમેશાં ‘મૈંને કિયા હૈ...’ કે ‘મારી હંસા...’ જેવું ‘હું-હું’ કર્યા કરે એ વાત મારા ઘરે કમ્પ્યુટર રિપેર કરવા આવતા એક ભાઈમાંથી મેં લીધેલી. તે હંમેશાં એવી રીતે જતાવતા કે ‘મેં’ રિપેર કર્યું કે ‘મેં’ શોધી કાઢ્યું કે શું તકલીફ હતી. તો મને થતું કે ભાઈ, તને બોલાવ્યો છે જ એટલે કે તું એ કરી શકે. આસપાસના લોકોને જોઈને મને આવાં પાત્રો સ્ફુરે છે, એ ફક્ત મારી કલ્પનાઓ નથી.’
ફિલ્મી લવસ્ટોરી : પહેલાં બ્રેકઅપ કર્યું, પછી થયો ચમત્કાર...
આતિશભાઈનાં પત્નીનું નામ ઍલિસન છે. તે બન્નેની પ્રેમકહાની ઘણી જ ફિલ્મી છે. તેઓ બન્ને એકબીજાને પ્રેમ કરતાં હતાં. ઍલિસન ખ્રિસ્તી છે. જોકે ધર્મ તે બન્ને વચ્ચે ક્યારેય નડ્યો નથી. આતિશભાઈ તેમના પ્રેમના દિવસો યાદ કરતાં કહે છે, ‘હું તેને પ્રેમ કરતો હતો, પણ મેં તેને લગ્ન કરવાની ના પાડી. તે ખૂબ જ સારી છોકરી. હું જાણતો હતો કે મારી સાથે જીવવું અને મને જીરવવો બન્ને ખૂબ જ મુશ્કેલ કામ છે. હું એકદમ ખાનાબદોશ પ્રકારનો જીવ એટલે મેં તેને કહ્યું કે તું લગ્ન ન કરીશ મારી સાથે. મેં સામે ચાલીને બ્રેક-અપ કર્યું તેની સાથે અને તેને કહ્યું કે જીવનભર તું મને સહન નહીં કરી શકે. જોકે તેને કરવાં જ હતાં લગ્ન. તેણે મને કહ્યું કે કોઈ ચમત્કાર થશે જે આપણને એક કરશે. આ તેની શ્રદ્ધા હતી. એટલું જ નહીં, તેણે આ બાબતે ઘણી પ્રાર્થનાઓ પણ કરેલી.’
ઍક્ટર દેવેન ભોજાણી તેમના એ સમયથી જ મિત્ર હતા. ૧૯૯૩ની વાત છે. દેવેનભાઈ સાથે ઍલિસન બાઇક પર એક નાટક જોવા ટાઉનમાં ગયેલી અને તે બન્નેનો ગંભીર અકસ્માત થયો. દેવેનભાઈ બચી ગયા, પણ ઍલિસન ગંભીર રીતે ઘાયલ થઈ. ઍલિસનને હૉસ્પિટલના બેડ પર જોઈને આતિશભાઈ સમજી ગયા કે આ એ જ ચમત્કાર છે. એ યાદ કરતાં આતિશભાઈ કહે છે, ‘ડૉક્ટરે કહી દીધું હતું કે તે નહીં બચે પણ મેં તેમને કહ્યું હતું કે તમને નથી ખબર, પણ મને ખબર છે કે તે ચોક્કસ જીવશે. અમારી વાર્તા લખાઈ ચૂકી છે.’
ઍલિસન ખૂબ જ સારાં ડાન્સર હતાં. ભારતની બહાર પણ શો કરી ચૂક્યાં હતાં. મહિનાથી પણ વધુ સમય તેઓ કોમામાં રહ્યાં. જ્યારે જાગ્યા ત્યારે ડૉક્ટરે કહ્યું કે તેઓ ખુદથી ચાલી નહીં શકે, મદદની જરૂર પડશે. આ કપરા સમયમાં તેઓ બન્ને એકબીજાના પડખે રહ્યાં. ૧૯૯૮માં બન્નેએ લગ્ન કરી લીધાં. તેમને એક દીકરો થયો જેનું નામ અગસ્ત્ય છે, જે આજે ૨૦ વર્ષનો થઈ ગયો છે. તેનામાં બન્નેનો જીવ પરોવાયેલો છે. હાલમાં અગસ્ત્ય બૉસ્ટનમાં મ્યુઝિક ભણી રહ્યો છે, સુંદર પિયાનો વગાડે છે અને ગીતો લખે છે. પોતાના દામ્પત્યજીવન વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અમારી સ્ટોરી હિરોઇનપ્રધાન છે. તેની હિંમત અને જીવવાની તાકાત દાદ દેવા જેવી છે. મારી પાસે તો મારી કલા છે એટલે હું જીવી શકું છું. તેની પાસેથી તો એ પણ છીનવાઈ ગઈ. અગસ્ત્ય અમારા બન્નેના હૃદયનો ટુકડો છે. મેં બાપ તરીકે અને ઍલિસને મા તરીકે તેને ભરપૂર સમય અને પ્રેમ આપ્યો છે. મને લાગે છે કે અમારું દામ્પત્ય હાસ્ય પર ટક્યું છે, કારણ કે મુશ્કેલીઓ પર અમે સાથે હસી શકીએ છીએ. અમારું દામ્પત્ય ધીરજ પર ટક્યું છે, કારણ કે એ અમારા બન્નેમાં ઘણી વધુ છે.’
જલદી ફાઇવ
શોખ : મને સફારીઓ ફરવાનો ખૂબ શોખ. દર વર્ષે અમે આફ્રિકા જઈએ. પ્રાણીઓને એમના કુદરતી રહેઠાણમાં વસેલાં જોવાની જુદી જ મજા છે.
ફોબિયા : મને વાંદાથી ખૂબ ડર લાગે. હું બેભાન પણ થઈ શકું એને જોઈને. આવું ગરોળી કે ઉંદરને જોઈને ન થાય.
લેખક કે કલાકાર ન હોત તો? : હું શેફ હોત. મને ખાવાનું બનાવવું ખૂબ ગમે છે. સંભારિયું શાક હું મસ્ત બનાવું છું. જુદા-જુદા પ્રકારનું ફૂડ હું ટ્રાય કરું છું.
અફસોસ : મારી માતા ખૂબ નાની ઉંમરે મૃત્યુ પામી. તે દક્ષિણ આફ્રિકાની રાણી હતી. એ પછી ઘણા કપરા દિવસો તેણે જોયા. પપ્પા માટે જે પણ કરવું હતું એ હું કરી શક્યો, પણ માને સુખ ન આપી શક્યો. તેને હું જાહોજલાલી ફરી આપવા માગતો હતો. તેને મારી ગાડીમાં ફરવા મોકલત, સોનાના હાર ખરીદીને આપત જે હું ન કરી શક્યો એનો અફસોસ છે.
જીવનની મજા : આજે પણ ૧૦ વર્ષનો છોકરો મને લિફ્ટમાં જોઈને ‘કચ્ચા કેલા’ કહીને ખુશ થઈ જાય એ મારી મજા. હું નથી માનતો કે વાર્તામાં કોઈ મેસેજ હોવો જ જોઈએ, પણ જ્યારે તમારી વાર્તા થકી કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ પરિવર્તન લાવી શકો તો એ વાર્તા અને તમારો પ્રયાસ સાર્થક છે. હું કોશિશ કરું છું કે એવું કરી શકું.