આશા ભોસલેના નિધન બાદ સ્પેશ્યલ પ્રોગ્રામ કરવા બદલ પાકિસ્તાની ન્યુઝ-ચૅનલને નોટિસ

14 April, 2026 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સમગ્ર મામલે જિયો ન્યુઝ ઉર્દૂના મૅનેજિંગ ડિરેક્ટર અઝહર અબ્બાસે સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી

અઝહર અબ્બાસ

આશા ભોસલેના નિધન બાદ પાકિસ્તાનમાં એક નવો વિવાદ સામે આવ્યો છે. હકીકતમાં પાકિસ્તાની ઇલેક્ટ્રૉનિક મીડિયા રેગ્યુલેટરી ઑથોરિટી (PEMRA)એ જિયો ન્યુઝને નોટિસ મોકલી છે, કારણ કે ચૅનલે આશા ભોસલેની કરીઅર અને તેમનાં લોકપ્રિય ગીતો પર એક વિશેષ રિપોર્ટ પ્રસારિત કર્યો હતો.

આ સમગ્ર મામલે જિયો ન્યુઝ ઉર્દૂના મૅનેજિંગ ડિરેક્ટર અઝહર અબ્બાસે સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ મોટા કલાકાર પર રિપોર્ટિંગ થાય છે ત્યારે તેમના કામને યાદ કરવું સામાન્ય વાત છે. તેમના મુજબ આશા ભોસલે જેવી દિગ્ગજ ગાયિકાનાં વધુ યાદગાર ગીતો દર્શાવવાં જોઈતાં હતાં.

અઝહર અબ્બાસે PEMRAના નિર્ણય પર સવાલ ઉઠાવતાં કહ્યું કે કલા અને જ્ઞાન કોઈ એક દેશની માલિકી નથી, પરંતુ સમગ્ર વિશ્વનો સંયુક્ત વારસો છે અને એને સરહદોમાં બાંધી દેવો યોગ્ય નથી. અઝહર અબ્બાસે યાદ અપાવ્યું કે આશા ભોસલેનો પાકિસ્તાન સાથે પણ ગાઢ સંબંધ રહ્યો છે અને તેઓ પાકિસ્તાનનાં પ્રસિદ્ધ ગાયિકા નૂરજહાંને પોતાની મોટી બહેન સમાન માનતાં હતાં.
અઝહર અબ્બાસે જણાવ્યું હતું કે જ્યારે દેશો વચ્ચે તનાવ હોય ત્યારે કલાકારો અને કળાને નિશાન બનાવવું યોગ્ય નથી, કલાકારો અને સર્જકો એ લોકો હોય છે જે નફરત સામે ઊભા રહી લોકોને જોડવાનું કાર્ય કરે છે.

asha bhosle celebrity death pakistan supreme court entertainment news bollywood bollywood news