આર્ટિકલ 15: આયુષ્માન ખુરાના, અનુભવ સિંહાને મળી રહી છે ધમકી

23 June, 2019 06:27 PM IST  |  મુંબઈ

આર્ટિકલ 15: આયુષ્માન ખુરાના, અનુભવ સિંહાને મળી રહી છે ધમકી

આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ આર્ટિકલ 15 રિલીઝ થવા માટે તૈયાર છે. ખાસ કરીને ફિલ્મના ટ્રેલર બાદ લોકોની ઉત્સુક્તા વધી રહી છે. સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મને જો કે કેટલાક વિવાદો નડી રહ્યા છે. ખાસ કરીને ફિલ્મની સ્ટારકાસ્ટને આ વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે.

અનુભવ સિંહાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ પર બ્રાહ્મણોને નકારાત્મક રીતે દર્શાવાયા હોવાનો આરોપ લગાવાયો છે. કહેવાઈ રહ્યું છે કે ફિલ્મની કથા 2014માં બદાયુંના બળાત્કાર કેસ પર આધારિત છે, જેમાં બે કિશોરીઓને ઝાડ પર લટકાવી દેવાઈ હતી. આ કિસ્સાની ચર્ચા દેશભરમાં થઈ હતી. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યા છે, જેમનું પાત્ર જ્ઞાતિઓમાં અટકી જાય છે.

બ્રાહ્મણ સમાજના એક સંગઠન પરશુરામ સેનાએ કથિત રીતે આ ફિલ્મની વાર્તાને લઈ નારાજગી દર્શાવી છે અને ફિલ્મ દ્વારા બ્રાહ્મણ સમાજને બદનામ કરાતો હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં ડિરેક્ટર અનુભવસિંહા અને આયુષ્માન ખુરાનાને સોશિયલ મીડિયા પર ધમકીઓ પણ મળી રહી છે.

આ ઉપરાંત એક મલ્ટીપ્લેક્સ ચેનના માલિકના કહેવા પ્રમામે આર્ટિકલ 15નું સ્ક્રીનિંગ રોકવા માટે બ્રાહ્મણ સમુદાય અને કરણી સેનાએ મલ્ટીપ્લેક્સની બહાર ભીડ કરવાની યોજના બનાવી છે. એટલે જ સાવચેતી રાખતા શિનેમા માલિકોએ વધુ સુરક્ષાની માગ કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે અનુભવ સિંહાએ પોતાની પાછલી ફિલ્મ મુલ્ક અને અપકમિંગ ફિલ્મ આર્ટિકલ 15 દ્વારા સમાજના સંવેદનશીલ વિષયો પર પ્રકાશ પાડ્યો છે. હવે ફિલ્મ રિલીઝ થવાને આડે થોડાક જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તેમને સમાજના જુદા જુદા ક્ષેત્રો ખાસ કરીને ઉચ્ચ સમુદાય તરફથી ધમકી ભર્યા કોલ અને ઈમેઈલ મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ બોલીવુડમાં 36 વર્ષ બાદ પણ નથી બદલાયા અનિલ કપૂર, જુઓ અનસીન ફોટોઝ

આર્ટિકલ 15નો વર્લ્ડ પ્રીમિયર લંડન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં થવાનો છે. આ ફેસ્ટિવલ દક્ષિણ એશિયાનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ છે. ત્યારે આ ફિલ્મ ઈન્વેસ્ટિગેટિવ ડ્રામા ઓપનિંગ નાઈટ બનવા જૈઈ રહી છે.

ayushmann khurrana anubhav sinha bollywood