10 July, 2023 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્શદ વારસી
અર્શદ વારસીએ જણાવ્યું કે તાજેતરમાં જ તેને એક ફિલ્મમાંથી હટાવવામાં આવ્યો હતો અને એ વાતની તેને ખુશી છે, કેમ કે તેને બાદમાં જાણ થઈ કે ફિલ્મમેકર્સ ઝેરીલા હતા. અર્શદ કૉમિક રોલ માટે જાણીતો છે, પરંતુ ‘અસુર 2’માં તેના પર્ફોર્મન્સની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. તેણે સિરિયસ રોલ કરીને કૉમેડી રોલની ઇમેજ તોડી હતી. સાથે જ તેને હાલમાં જ એક ફિલ્મમાંથી છેલ્લી ઘડીએ જણાવ્યા વગર હટાવવામાં આવ્યો હતો. એ વિશે અર્શદ વારસીએ કહ્યું કે ‘પ્રામાણિકપણે કહું તો મેં એ વસ્તુનો સ્વીકાર કર્યો હતો અને એનાથી મને કોઈ કડવાશ નહોતી રહી, કારણ કે હું હંમેશાં સ્થિતિની પૉઝિટિવ સાઇડ જોઉં છું. મને હંમેશાં એમ લાગે છે કે એ જ યોગ્ય છે. એક ફિલ્મ હતી જેમાં મને હાલમાં જ રિપ્લેસ કરવામાં આવ્યો હતો. મને રિપ્લેસ કરવામાં આવ્યો એ અગાઉ મને એમ કહેવામાં આવ્યું હતું કે હું આ યુનિટમાં ખુશ નહીં રહી શકું. હું જ્યાં કામ કરું ત્યાં હું ખુશ હોઉં એ જરૂરી છે. તમે જ્યાં કામ કરો છો ત્યાં સારી વાઇબ હોવી જરૂરી છે. લોકો હસતા હોય, ન કે અપશબ્દો બોલતા હોય અથવા તો કોઈને નફરત કરતા હોય. મને નેગેટિવિટી પસંદ નથી. એ ફિલ્મ માટે એમ કહેવામાં આવતું હતું કે ત્યાં નાના-મોટાનો ભેદભાવ કરવામાં આવે છે. એથી મેં જ્યારે આ ફિલ્મની ઑફર સ્વીકારી તો મને લાગ્યું કે મેં મોટી ભૂલ કરી દીધી છે. આમ છતાં હું તો કામ પ્રત્યે સમર્પિત હોવાથી વિચાર કર્યો કે હું માત્ર મારું કામ કરતો રહીશ. જોકે બાદમાં મને જણાવ્યા વગર જ મને રિપ્લેસ કરવામાં આવ્યો. મને પણ એવો એહસાસ થયો કે ભગવાનની પણ આ જ ઇચ્છા હશે. તમે મને બચાવી લીધો એ બદલ આભાર. કાંઈ ખરાબ થાય એમાંથી હું બચી ગયો હતો. કદાચ મેં મેકર્સ સાથે ઝઘડો કર્યો હોત. મને લાગ્યું કે હું મોટી આપત્તિમાંથી બચી ગયો છું.’