06 October, 2025 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુને સોશ્યલ મીડિયા પર અંશુલાની કેટલીક તસવીરો શૅર કરી
અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર અને તેના બૉયફ્રેન્ડ રોહન ઠક્કરની ગુરુવારે ગોળધાણા ખાવાની વિધિ થઈ હતી. આ વિધિ પછી અર્જુને સોશ્યલ મીડિયા પર અંશુલાની કેટલીક તસવીરો શૅર કરીને તેની નાની બહેન વિશે એક ઇમોશનલ પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં અર્જુને લખ્યું હતું, ‘મને લાગે છે કે મારે સ્વીકારી લેવું જોઈએ કે તું મને જલદી છોડી જઈને તારો રસ્તો પસંદ કરી લઈશ. એનાથી મને થોડું દુઃખ થશે, પણ હું એ પણ જાણું છું કે તું એવી વ્યક્તિ સાથે જશે જે તને ખુશ કરી શકે. ભલે તે તને મારા જેટલી ખુશ નહીં રાખી શકે પણ તે પણ સારું જ કરશે.’
અર્જુને પોતાની પોસ્ટમાં દિવંગત મમ્મી મોના કપૂરને પણ યાદ કરીને લખ્યું હતું, ‘હવે મને મમ્મીની ગેરહાજરી વધુ અનુભવાય છે... પણ હું જાણું છું કે તે તારી સંભાળ રાખી રહી છે, રોહનને શોધવામાં તને મદદ કરી રહી છે અને તેના દૈવીસ્પર્શથી તને સાચી દિશા બતાવી રહી છે. તેના વિઝન પર વિશ્વાસ કર અને ખુશ રહે.’
પોતાના આ સંદેશમાં અર્જુને ભાવિ જમાઈ રોહન માટે લખ્યું છે, ‘મારી પાર્ટનર ઇન ક્રાઇમથી માંડીને તારી જીવનસાથી બનવા સુધીની સફરમાં મારી અંશુલા હવે મોટી થઈ ગઈ છે. આ નવા પ્રકરણ માટે તમને બન્નેને મારી શુભકામના. પરિવારમાં તમારું સ્વાગત છે, રોહન ઠક્કર... હવે તમારા માટે નવા અનુભવ શરૂ થઈ રહ્યા છે.’