29 January, 2026 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરિજિત સિંહ
એક મીડિયા સાથે વાતચીતમાં અરિજિતે જણાવ્યું હતું કે ‘રિટાયરમેન્ટ પાછળ કોઈ એક જ કારણ નથી. એની પાછળ અનેક કારણો છે અને આખરે મેં હિંમત એકઠી કરી છે. એક કારણ તો સ્પષ્ટ છે કે હું બહુ જલદી બોર થવા માંડું છું. આ કારણે જ હું એક જ ગીતનું અરેન્જમેન્ટ વારંવાર બદલતો રહું છું અને એને સ્ટેજ પર પર્ફોર્મ કરું છું. જોકે હવે હું આનાથી બોર થઈ ગયો હતો. જીવંત રહેવા અને અંદરથી સંતોષ અનુભવવા માટે મારે કંઈક અલગ પ્રકારનું મ્યુઝિક કરવાની જરૂર છે. બીજું કારણ એ છે કે હું એવા કોઈ સિંગરને સાંભળવા ઉત્સુક છું જે મને સાચી પ્રેરણા આપે. હું ભલે પ્લેબૅક સિન્ગિંગથી થોડો દૂર જઈ રહ્યો હોઉં, પરંતુ હું ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક સાથે ગાઢ રીતે જોડાયેલો રહીશ. હું ફરી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક તરફ પાછો ફરવાનો છું. હું ફરીથી સંગીત રચવા માગું છું.’
એક રિપોર્ટ મુજબ ૩૮ વર્ષનો અરિજિત હવે રાજકારણમાં પણ પ્રવેશ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અરિજિત એક નવી રાજકીય પાર્ટી લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યો છે. જોકે તેની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓને લઈને વધુ વિગતો હાલ ગુપ્ત રાખવામાં આવી છે. અરિજિતની નજીકની એક વ્યક્તિએ માહિતી આપી છે કે અરિજિતે પોતાની કરીઅરને હવે રાજકીય ક્ષેત્ર તરફ વાળવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પ્લેબૅક સિન્ગિંગથી સંન્યાસ લેવાનો નિર્ણય પણ આ દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.