22 July, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર
રણબીર કપૂરની ‘રામાયણ’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ પર અંદાજે ૪૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનો પહેલો ભાગ આ દિવાળીએ અને બીજો ભાગ આવતા વર્ષે દિવાળીના સમયે રિલીઝ થશે. તાજેતરમાં ફિલ્મનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટ્રેલર દર્શાવવામાં આવ્યું હતું અને એની કેટલીક ક્લિપ્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી. હવે ‘રામાયણ’ને લઈને વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં અનુપમ ખેર જટાયુના પાત્રને અવાજ આપશે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે ફિલ્મમાં અમિતાભ બચ્ચન જટાયુનો અવાજ બનશે, પણ હવે અનુપમ ખેરની પસંદગી કન્ફર્મ થઈ ગઈ છે. જોકે અમિતાભ પણ ફિલ્મનો મહત્ત્વનો ભાગ છે અને તેઓ ફિલ્મ માટે બૅકગ્રાઉન્ડ નરેશન આપશે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં જટાયુ અને રાવણ વચ્ચેનું યુદ્ધ ફિલ્મનાં સૌથી ભાવુક અને પ્રભાવશાળી દૃશ્યોમાંનું એક હશે. ડિરેક્ટર નિતેશ તિવારીએ પણ આ દૃશ્યને ફિલ્મની સૌથી મહત્ત્વપૂર્ણ સિનેમૅટિક ક્ષણોમાંનું એક ગણાવ્યું છે.