બે વર્ષ બાદ પોતાના વતન શિમલા ગયેલાં મમ્મીની ખુશીથી અનુપમ ખેર ખુશખુશાલ

18 June, 2026 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં અનુપમે એક નવો વિડિયો શૅર કર્યો છે જેમાં મમ્મી શિમલા જવાને લઈને અત્યંત ખુશ અને ઉત્સાહિત જોવા મળે છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અનુપમ ખેર મમ્મી દુલારી દેવીને ખૂબ પ્રેમ કરે છે. મમ્મી પ્રત્યેનો તેમનો સ્નેહ અને લાગણી તેઓ ઘણી વાર ખુલ્લેઆમ વ્યક્ત કરતા રહે છે. હાલમાં અનુપમે એક નવો વિડિયો શૅર કર્યો છે જેમાં મમ્મી શિમલા જવાને લઈને અત્યંત ખુશ અને ઉત્સાહિત જોવા મળે છે.

આ વિડિયો શૅર કરીને અનુપમે લખ્યું હતું કે ‘આજે બે વર્ષ બાદ મમ્મી શિમલા ગઈ છે. ઍરપોર્ટ જતાં પહેલાં તેઓ ભાઈ રાજુ સાથે મને ઍક્ટિંગ સ્કૂલમાં મળવા આવ્યાં હતાં. તેમનો ઉત્સાહ એવો છે જાણે કોઈ મહારાણી પોતાના રાજ્યમાં પરત ફરી રહી હોય. ફરક માત્ર એટલો છે કે આ વખતે તેમની સાથે તેમની સેના નહીં પણ મારા ભાઈસાહેબ છે. શિમલામાં માતાએ પોતાના જીવનનાં ૫૯ વર્ષ વિતાવ્યાં છે. ત્યાંની ગલીઓ તેમને ઓળખે છે, વૃક્ષો અને છોડ તેમને સલામ કરે છે અને ઘરમાં પહોંચતાંની સાથે જ તેમનો અંદાજ બદલાઈ જાય છે. અચાનક તેમની ચાલમાં એક અલગ જ રુઆબ આવી જાય છે. આખરે પોતાની જમીન, પોતાનું ઘર અને પોતાનું શહેર હોય તો ત્યાં તેઓ માત્ર માતા નથી પણ આખી માલિક છે. મને પૂરો વિશ્વાસ છે કે આગામી થોડા દિવસો શિમલામાં તેમના માટે યાદો, કિસ્સાઓ, જૂની મુલાકાતો અને ઘણી ખુશીઓથી ભરેલા રહેશે. તમારી દરેક ક્ષણનો આનંદ માણજો. તમે ખરેખર કમાલ છો. માતાઓ કમાલની જ હોય છે. જય હો માતા રાની!’

anupam kher shimla social media viral videos entertainment news bollywood bollywood news