16 June, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર, કિરણ ખેર
કિરણ ખેરે ૧૪ જૂનના દિવસે તેની ૭૩મી વર્ષગાંઠ ઊજવી હતી. આ પ્રસંગે અનેક સેલિબ્રિટીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. કિરણના પતિ અનુપમ ખેરે પણ તેને જન્મદિવસની ઇમોશનલ શુભેચ્છા પાઠવી છે. અનુપમ ખેરે પત્ની કિરણ ખેરના જન્મદિવસના ખાસ અવસરે તેની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કરી છે. આ તસવીરોમાંથી મોટા ભાગની તસવીરો જૂના સમયની છે. અનુપમે પત્ની માટે ઇમોશનલ પોસ્ટ કરી છે અને લખ્યું છે કે ‘જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ કિરણ. દર વર્ષે તમારા જન્મદિવસ પર નવી તસવીરો શોધવી એક પડકાર બની જાય છે, પરંતુ અંતે હું એ જ જૂની તસવીરો પસંદ કરું છું, કારણ કે એ જ તમારા વ્યક્તિત્વને સૌથી સુંદર રીતે દર્શાવે છે; મસ્તમૌલા, સુંદર, રુચિપૂર્ણ, સહજ, પ્રેમાળ, દયાળુ, કરુણાશીલ અને ક્યારેક ધીરજવાન પણ હંમેશાં જીવનથી ભરપૂર અને મારા જીવનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો. ભગવાન તમને લાંબું આયુષ્ય અને સ્વસ્થ જીવન આપે. તમારો ચહેરો હંમેશાં હસતો રહે અને મન શાંત રહે. અઢળક પ્રેમ અને હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ.’