25 August, 2026 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર અને યશ
અનુપમ ખેરે તાજેતરમાં એક સ્ટુડિયોમાં અભિનેતા યશ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ભારતીય સિનેમાની બે પેઢીઓ એકસાથે જોવા મળી હતી, જેને કારણે ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સોશ્યલ મીડિયા પર મુલાકાતની તસવીરો શૅર કરતાં અનુપમ ખેરે સુપરસ્ટાર યશનાં વખાણ કર્યા હતા.
અનુપમ ખેરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘યશને મળીને દિલ ખુશ થઈ ગયું. યશ નામના આ અદ્ભુત કલાકારને મળીને ખરેખર ખૂબ આનંદ થયો. ‘કેજીએફ: ચૅપ્ટર ૧’ અને ‘કેજીએફ: ચૅપ્ટર ૨’માં તેની સફર મને ખૂબ પસંદ આવી છે. તેણે માત્ર રૉકીનું પાત્ર ભજવ્યું નથી, તેણે આ પાત્રને આત્મા, સ્વૅગ અને ભારતીય સિનેમામાં એક એવી યાદગાર ઓળખ આપી છે જે હંમેશાં યાદ રહેશે. પડદા પર જોવા મળતી તેની દમદાર હાજરી પાછળ મને એક ઉષ્માભર્યો, જમીન સાથે જોડાયેલો અને સમજદાર માણસ જોવા મળ્યો. અમે એક સ્ટુડિયોમાં મળ્યા અને સિનેમા, જીવન,
માતા-પિતા, પરિવાર, સપનાં અને ઘડતર કરતી સફર વિશે વાતચીત કરી.
જ્યારે પણ હું એવા પ્રતિભાશાળી યુવા કલાકારોને મળું છું જેઓ કંઈક અસાધારણ સર્જવા માટે ઉત્સાહી અને તલપાપડ હોય છે ત્યારે મને નવી ઊર્જા મળે છે. તેનો જુસ્સો મને વધુ મહેનત કરવા, વધુ ઊંડાણપૂર્વક વિચારવા અને મારું સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રેરિત કરે છે. કદાચ આ જ સિનેમાની સુંદરતા છે. આપણે ભલે અલગ-અલગ પેઢીઓ સાથે જોડાયેલા હોઈએ, આપણાં સપનાં એક જ ભાષા બોલે છે. મારા વહાલા યશ, તારી આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ પોતાની આગવી જાદુઈ અસર ઊભી કરે અને એને દર્શકોનો અપાર પ્રેમ તથા સફળતા મળે એવી શુભેચ્છા. આ જ રીતે પ્રેરણા આપતો રહે અને સતત નવી ઊંચાઈઓ સર કરતો રહે. મારા મિત્ર, તને ખૂબ પ્રેમ અને ખૂબ શુભકામનાઓ.’