24 December, 2025 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અહાન પાંડેની ગઈ કાલે ૨૮મી વર્ષગાંઠ હતી. આ ખાસ દિવસે અહાનની ‘સૈયારા’ની સહકલાકાર અનીત પડ્ડાએ પોતાના સોશ્યલ મીડિયામાં અહાનની ખાસ તસવીરો અને વિડિયો શૅર કરીને તેને જન્મદિવસની પ્રેમભરી શુભકામનાઓ આપતી પોસ્ટ શૅર કરી છે. એક ચર્ચા પ્રમાણે અહાન અને અનીત રિલેશનશિપમાં છે પણ તેમણે આ વાતનો સ્વીકાર નથી કર્યો.
પોતાની આ પોસ્ટની કૅપ્શનમાં અનીતે લખ્યું છે : ‘મેં ભવિષ્ય જોયું છે. જ્યારે તું ખુલ્લા દિલથી હસે છે ત્યારે રસ્તે ચાલતા લોકો પણ સ્મિત કરી દે છે, પોતાને રોકી શકતા નથી. જ્યારે તારી આંખો છોડને પાણી પીવડાવતી એક વૃદ્ધ મહિલાને નિહાળે છે ત્યારે મેં આસપાસની દુનિયાના રંગ બદલાતા જોયા છે. મેં તારી નોટબુકમાં લખેલી વાતો જોઈ છે જેમાં એક અનોખા, ખાસ અને જાદુઈ મનના વિચારો વસે છે. તારા કૅમેરાના લેન્સનો બદલાતો અંદાજ, જે રોજિંદી વસ્તુઓમાં પણ સુંદરતા શોધે છે. મેં તને ખૂબ નિઃસ્વાર્થ જોયો છે. મારાં મમ્મી-પપ્પા જ્યારે અહાન કેમ છે? બધું ઠીક છેને? એમ પૂછે છે ત્યારે તેમને તારા માટે પૂર્ણ વિશ્વાસ સાથે, પ્રેમથી સ્મિત કરતાં જોયાં છે. દરેક વિડિયો-કૉલ પર મેં ડીએન આન્ટીને પોસ્ટર પર તારો ચહેરો જોતાં જ ભાવુક થઈને રડતાં જોયાં છે. એમાં પોતાના દીકરાના દયાળુપણા, તેના આત્મા અને તેના ઉછેર પરના વિશ્વાસ સાથે ગર્વ અને થોડી અવિશ્વાસની મિશ્ર લાગણી જોવા મળે છે. મેં એક અજાણ્યા માણસને પણ તારી સાથે વાત કર્યા પછી વધુ સારો દિવસ વિતાવતાં જોયો છે. મેં સિક્યૉરિટી ગાર્ડને રોજ બપોરે બરાબર બે વાગ્યે તારી સાથે વાત કરવાની તકની રાહ જોતાં જોયો છે. મેં દુનિયાને તારી સામે રોકાઈને તને જોતાં જોઈ છે... ત્યારે પણ, જ્યારે એને હજી ખબર નહોતી કે શા માટે. જ્યારે દુનિયાએ હજી તને ફિલ્મના પડદા પર પોતાના ‘સૈયારા’ તરીકે ઓળખ્યો પણ નહોતો. તું હંમેશાં એક સ્ટાર હતો અને દાદી હંમેશાં તારા પર ગર્વ કરતી રહી છે. મેં ત્યારે પણ ભવિષ્ય જોયું હતું અને આજે પણ જોઈ રહી છું. બધું જ સાકાર થવા માટે તૈયાર છે. જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ, અહાન. મને તારા પર હંમેશાં ગર્વ રહેશે. દુનિયાને તારી જાતની ભેટ આપવા બદલ તારો આભાર.’