11 May, 2026 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સફળતા માત્ર એકાગ્રતા દ્વારા જ મળે છે
અમિતાભ બચ્ચન ઘણી વાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોતાની લાઇફસ્ટાઇલ, કામ અને જીવન વિશે વિચારો શૅર કરતા રહે છે. તેઓ બ્લૉગ પર મિત્રો અને પોતાની કરીઅર સાથે જોડાયેલા અપડેટ્સ પણ ચાહકો સાથે વહેંચે છે. ભારતીય સિનેમામાં પાંચ દાયકાથી વધુ સમયની સફળ કરીઅર ધરાવતા અમિતાભ બચ્ચને તાજેતરમાં પોતાની નવી પોસ્ટમાં સ્ટીવ જૉબ્સ વિશે વાંચેલી એક ખાસ સલાહ શૅર કરી હતી, જેમાં જીવનમાં ‘ફોકસ’ એટલે કે એકાગ્રતાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું.
અમિતાભ બચ્ચને પોતાની પોસ્ટમાં લખ્યું હતું, ‘જીવન અને વર્ક-એથિક્સ વિશે કેટલાક ખૂબ પ્રેરણાદાયક શબ્દો વાંચ્યા... બે શબ્દો... સિગ્નલ અને નૉઇઝ... સિગ્નલ એટલે એકાગ્રતા.’
એકાગ્રતા કેવી?
અમિતાભે કહ્યું હતું કે ‘જ્યારે તમે સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરો છો ત્યારે તમને આગળ વધવા માટે પ્રેરિત કરતી એકમાત્ર વસ્તુ એ હોય છે અને એના પર અમલ કરવો જરૂરી છે. થોડા દિવસ પછી નહીં, કાલે નહીં, કોઈ નક્કી સમયમાં નહીં, પરંતુ અત્યારે જ કરો.’
નૉઇઝ એટલે?
અમિતાભે જણાવ્યું હતું કે નૉઇઝ એટલે ધ્યાનભંગ કરતી વસ્તુઓ. આ મામલે વિગતવાર વાત કરતાં તેમણે લખ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા સ્ક્રૉલ કરવામાં સમય પસાર કરવો, મિત્રો અથવા પરિવાર સાથે વધુ સમય વિતાવવો... આ બધું એકાગ્રતામાં અવરોધ ઊભો કરે છે. આ બધાને જ નૉઇઝ કહેવામાં આવે છે એથી તમારે એકાગ્રતા એટલે સિગ્નલ અથવા નૉઇઝ... એમાંથી એક પસંદ કરવું પડે છે. સફળતા માત્ર એકાગ્રતા દ્વારા જ મળે છે. સ્ટીવ જૉબ્સ પાસેથી મળેલી આ એક અદ્ભુત
સમજ છે.’