02 May, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખુદાગવાહનું પોસ્ટર
અમિતાભ બચ્ચનની પર્સનલ રિલેશનશિપની વાત આવે ત્યારે સૌથી વધારે ચર્ચા જયા બચ્ચન અને રેખાની થતી હોય છે. જોકે શ્રીદેવી એવી ઍક્ટ્રેસ છે જેની સાથે પ્રોફેશનલ રિલેશનશિપ આગળ વધારવા માટે અમિતાભે તેને ટ્રક ભરીને ગુલાબનાં ફૂલ મોકલ્યાં હતાં. જોકે અમિતાભના આટલા પ્રયાસ પછી પણ શ્રીદેવીએ તેમની સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. આ પછી જ્યારે તેની શરત સ્વીકારવામાં આવી ત્યારે જ તે અમિતાભની હિરોઇન બનવા તૈયાર થઈ હતી.
આ ઘટનાક્રમની વિગતો જોઈએ તો ડિરેક્ટર મુકુલ એસ. આનંદ જ્યારે ૧૯૯૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખુદાગવાહ’નું પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓ આ ફિલ્મ માટે અમિતાભની સાથે શ્રીદેવીને સાઇન કરવા માગતા હતા, પણ શ્રીદેવીને ફિલ્મનો તેનો રોલ ખાસ પસંદ ન પડતાં તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.
અમિતાભને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે શ્રીદેવીને આ રોલ માટે મનાવવાનું બીડું ઝડપ્યું અને ઍક્ટ્રેસને ખુશ કરવા માટે તેને ટ્રક ભરીને લાલ ગુલાબ મોકલ્યાં હતાં. અમિતાભની આ હરકત જોઈને શ્રીદેવીને ભારે આંચકો લાગ્યો હતો. તેણે આ સંજોગોમાં પણ ફિલ્મમાં કામ કરવાની ના પાડી, પણ સાથે-સાથે શરત મૂકી કે જો ફિલ્મમાં તેને માતા-દીકરી બન્નેના રોલ માટે સાઇન કરવામાં આવે તો તે આ ફિલ્મમાં કામ કરવા તૈયાર છે. આખરે ‘ખુદાગવાહ’માં શ્રીદેવીને ડબલ રોલમાં સાઇન કરવામાં આવી. આ ફિલ્મમાં નાગાર્જુનનો પણ મહત્ત્વનો રોલ હતો.