અમિતાભ બચ્ચનને અફસોસ કેટલીક વસ્તુઓ પહેલાં કેમ ન શીખ્યો

20 January, 2026 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્લૉગમાં લખ્યું છે કે ન આવડતા કામ માટે પણ ના ન પાડો, લઈ લો અને આઉટસોર્સ કરો

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન હવે ૮૩ વર્ષના થઈ ગયા છે, પરંતુ ઉંમરના આ પડાવ પર પણ તેઓ સંપૂર્ણ ઊર્જા અને જુસ્સા સાથે કામમાં વ્યસ્ત રહે છે. અમિતાભ સોશ્યલ મીડિયા પર પણ મોડી રાત સુધી સક્રિય રહે છે અને પોતાના ટ્‍વિટર તથા બ્લૉગ પર નિયમિત પોસ્ટ લખે છે. જોકે આટલા સક્રિય હોવા છતાં અમિતાભને એક વાતનો અફસોસ સતાવી રહ્યો છે. તેમના કહેવા મુજબ આ અફસોસ તેમને હંમેશાં રહેશે. તાજેતરમાં અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં આ વિષય પર લખ્યું છે અને જણાવ્યું છે કે જો એક વર્ષ પહેલાંથી જ આ બાબત પર ધ્યાન આપ્યું હોત તો વધુ સારું થાત.
અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું છે, ‘દરરોજ કંઈક ને કંઈક શીખવા મળે છે અને અફસોસ એ વાતનો થાય છે કે જે શીખવું જોઈતું હતું એ ઘણાં વર્ષો પહેલાં જ શીખી લેવું જોઈતું હતું. અફસોસ એટલા માટે પણ વધારે થાય છે કે જે આજે શીખી રહ્યા છીએ એ ત્યારે અસ્તિત્વમાં નહોતું. હવે સમય અને ઉંમર સાથે શીખવાની ઇચ્છા, પ્રયાસ અને ઊર્જા ધીમે-ધીમે ઘટતાં જઈ રહ્યાં છે. નવાં સંશોધનો અને નવી સિસ્ટમ્સની ગતિ એટલી ઝડપી છે કે તમે એને શીખવાનું શરૂ કરો ત્યાં સુધીમાં ઘણો સમય વીતી ચૂક્યો હોય છે. એટલે આજે ઘણી મીટિંગ્સ બાદ એ જ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે મૂળભૂત બાબતોને સારી રીતે સમજી લો અને પછી કામ પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ ટૅલન્ટ્સ અને એક્સપર્ટ્‍સ પાસે કામ કરાવી લો.’

પોતાના બ્લૉગમાં અમિતાભે સમજાવ્યું હતું કે જો તમને આપેલું કોઈ કામ પોતાને ન આવડતું હોય તો એને કેવી રીતે કરાવવું એ આવડવું જોઈએ. તેમણે લખ્યું છે, ‘જો તમને આપેલું કામ આવડતું ન હોય અથવા તમે એના વિશે અજાણ હો કે પછી ક્વૉલિફાઇડ ન હો તો એ કોઈ સમસ્યા નથી. તમે કહી દો કે તમે એ કામ કરશો અને પછી એ કામ તમારા પસંદગીના એક્સપર્ટ્સને સોંપી દો, જેથી કામ પૂર્ણ થઈ જાય. માત્ર આવડતું ન હોય એ માટે કોઈ કામને ના ન પાડો. એને બદલે કામ લો અને હાયરિંગ પ્રોસેસ દ્વારા એને પૂરું કરાવો. આને આઉટસોર્સિંગ કહેવામાં આવે છે.’

amitabh bachchan social media entertainment news bollywood bollywood news