બિગ બીએ એક્સ્ટ્રા આર્ટિસ્ટ તરીકે કામ કરવું પડ્યું હતું

03 January, 2020 05:30 PM IST  |  Mumbai Desk | Aashu Patel

બિગ બીએ એક્સ્ટ્રા આર્ટિસ્ટ તરીકે કામ કરવું પડ્યું હતું

અમિતાભ બચ્ચન ફિલ્મોમાં અભિનયની તક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે તેમણે ઘણા વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. એ સમય દરમિયાન તેમણે ‘બૉમ્બે ટૉકી’ ફિલ્મમાં એક્સ્ટ્રા કલાકાર તરીકે કામ સ્વીકાર્યું હતું. જોકે શશી કપૂરને કારણે તેઓ એ ફિલ્મમાં જોવા મળ્યા નહોતા.

અમિતાભ બચ્ચને જે ફિલ્મ માટે એક્સ્ટ્રા કલાકાર તરીકે શૂટિંગ કર્યું હતું એ ફિલ્મ ‘બૉમ્બે ટૉકી’માં શશી કપૂર હીરો હતા અને તેમની પત્ની જેનિફર કેન્ડલે હિરોઇનની ભૂમિકા ભજવી હતી. એ ફિલ્મના ડિરેક્ટર હતા જેમ્સ આઇવરી અને પ્રોડ્યુસર હતા ઇસ્માઇલ મર્ચન્ટ. એ ફિલ્મ ‘બૉમ્બે ટૉકી’ના નિર્માણમાં શશી કપૂરે પણ આર્થિક સહયોગ આપ્યો હતો. શશી કપૂરે ભારતમાં એ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટ કરી હતી.
મર્ચન્ટ આઇવરી પ્રોડક્શનની એ ફિલ્મમાં શશી કપૂરનું મૃત્યુ થાય છે અને તેમના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે લઈ જવાઈ રહ્યો હોય છે ત્યારે જે લોકો સાથે ચાલતા હોય છે એ ટોળામાં અમિતાભ બચ્ચન એક હતા. એ પછી તેમના પાર્થિવ દેહ સામે ડાઘુઓનું ટોળું ઊભું હોય એવા થોડા શૉટ્સ લેવાના હતા. એ શૉટ્સના શૂટિંગ વખતે અન્ય એક્સ્ટ્રા આર્ટિસ્ટ્સ (એક્સ્ટ્રા આર્ટિસ્ટ્સ હવે જુનિયર આર્ટિસ્ટ્સ તરીકે ઓળખાય છે) સાથે અમિતાભ ઊભા હતા. શશી કપૂરના મૃત્યુથી બધા ગમગીન હોય એવા હાવભાવ સાથે એક્સ્ટ્રા કલાકારોએ શૉટ આપવાના હતા.
એ શૉટ્સ લેવાઈ રહ્યા હતા ત્યારે એ ફિલ્મના હીરો શશી કપૂર સેટ પર આવ્યા. શશી કપૂર એ વખતે મોટા સ્ટાર બની ચૂક્યા હતા, પણ તેઓ અમિતાભ બચ્ચનને સારી રીતે ઓળખતા હતા (અમિતાભ બચ્ચન મુંબઈ આવ્યા ત્યારે તેમનો કપૂર કુટુંબ સાથે કઈ રીતે સંબંધ બંધાયો હતો અને દાયકાઓ પછી બચ્ચનપરિવાર અને કપૂરપરિવાર કઈ રીતે સગાં બન્યાં એ વિશે પણ ક્યારેક આ કૉલમમાં વાત કરીશું). અમિતાભને એક્સ્ટ્રા કલાકારો સાથે ઊભેલા જોઈને તેઓ તરત તેમની પાસે ગયા અને તેમણે અમિતાભને પૂછ્યું કે ‘શા માટે આવો - એક્સ્ટ્રા આર્ટિસ્ટ તરીકેનો રોલ કરે છે?’ અમિતાભ બચ્ચને જવાબ આપ્યો કે ‘આ સીન માટે મને પચાસ રૂપિયા મળવાના છે!’
શશી કપૂરે તેમને એક્સ્ટ્રા આર્ટિસ્ટ તરીકે કામ કરવાની ના પાડતાં કહ્યું, ‘ડોન્ટ બી સિલી. આઇ એમ નૉટ ગોઇંગ ટુ અલાઉ યુ ટુ ડૂ ધિસ. યુ આર ડેસ્ટિન્ડ ફૉર બેટર થિંગ્સ (મૂર્ખાઈ ન કર. હું તને આવું કરવા નહીં દઉં. તું કંઈક મોટું કરવા સર્જાયો છે).
ત્યાર બાદ શશી કપૂરે ડિરેક્ટરને સૂચના આપી હતી કે ‘આના (અમિતાભના) શૉટ્સ ફિલ્મમાંથી કાઢી નાખજો.’
એ પછી શશી કપૂરે અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. શશી કપૂરના મૃત્યુ પછી અમિતજીએ તેમના બ્લૉગ પર એક ઇમોશનલ પીસ લખ્યો હતો. એમાં તેમણે લખ્યું હતું કે ‘રાજકમલ સ્ટુડિયોમાં ‘દીવાર’ ફિલ્મનો મુહૂર્ત શૉટ લેવાયો એ પછી શશી કપૂર સાથે મારા ફોટોગ્રાફ લેવાઈ રહ્યા હતા. એ ફિલ્મમાં તેઓ મારા નાના ભાઈનો રોલ પ્લે કરી રહ્યા હતા. ત્યારે હું રોમાંચની
લાગણી અનુભવી રહ્યો હતો કે શશી કપૂરની ફિલ્મમાં હું એક્સ્ટ્રાનો રોલ કરતો હતો ને એ પછી તેમની સાથે પૅરેલલ રોલ કરવા સુધી પહોંચ્યો હતો.’
આ કિસ્સો અમિતાભ બચ્ચને એક મુલાકાતમાં કહ્યો હતો. અમિતાભ બચ્ચને આ વાત તેમના બ્લૉગ પર પણ લખી હતી.

bollywood bollywood news amitabh bachchan