23 June, 2026 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભે સોશ્યલ મીડિયા પર જણાવ્યું કે આ પૂજા તેમણે સુખ, શાંતિ અને નિરોગી વાતાવરણની પૂર્તિ માટે કરી છે
૮૩ વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર સક્રિય રહે છે અને લગભગ દરરોજ સોશ્યલ મીડિયા પર કંઈક ને કંઈક પોસ્ટ કરતા રહે છે. હાલમાં અમિતાભ બચ્ચને રવિવારે મધ્યરાત્રિ પછી હનુમાન સહસ્ત્ર પૂજનની ઝલક શૅર કરી હતી. તેમણે બે તસવીરો પોસ્ટ કરી હતી જેમાં ફૂલોના ઢગલા વચ્ચે ગણપતિ બાપ્પા અને હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે. અમિતાભે પોતાના ઘરના મંદિરમાં ભગવાન હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓ સમક્ષ બેસીને આ વિધિપૂર્વક પૂજા સંપન્ન કરી હતી. આ પછી અમિતાભે સોશ્યલ મીડિયા પર જણાવ્યું કે આ પૂજા તેમણે સુખ, શાંતિ અને નિરોગી વાતાવરણની પૂર્તિ માટે કરી છે.
હનુમાન સહસ્ત્ર પૂજન અથવા હનુમાન સહસ્રનામ ભગવાન હનુમાનના એક હજાર પવિત્ર નામોના જાપ સાથે જોડાયેલી વિશેષ ઉપાસના પદ્ધતિ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પૂજા હનુમાનજીની કૃપા મેળવવા, સાહસ વધારવા, માનસિક શાંતિ પ્રાપ્ત કરવા અને નકારાત્મક ઊર્જાથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે.
આસ્થા ધરાવતા લોકોનું માનવું છે કે હનુમાન સહસ્ત્રનામના પાઠથી માનસિક તાણ ઓછી થાય છે અને સાધકને શારીરિક તેમ જ માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ ઉપાસનાથી નકારાત્મક ઊર્જા, ભય અને અન્ય અવરોધોમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં માનનારા લોકોના મતે આ પૂજન કુંડળીમાં શનિની સાડાસાતી અને મંગળ દોષના પ્રભાવને ઘટાડવામાં પણ સહાયક માનવામાં આવે છે.