મોહબ્બતેં માટે અમિતાભ બચ્ચને માત્ર ૧ રૂપિયાની ફી લીધી હતી

05 December, 2024 08:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશ ચોપડા જ્યારે ‘સિલસિલા’ બનાવી રહ્યા હતા ત્યારે તેમણે અમિતાભ બચ્ચનને પૂછ્યું કે આ ફિલ્મ માટે તમે કેટલા પૈસા લેશો? એ વખતે અમિતાભે કહેલું કે....

અમિતાભ બચ્ચન ‘મોહબ્બતેં’માં

એક સમયે યશરાજ ફિલ્મ્સ સાથે કામ કરતા ફિલ્મમેકર નિખિલ અડવાણીએ એક રસપ્રદ વાત શૅર કરતાં કહ્યું છે કે ઈ.સ. ૨૦૦૦માં આવેલી ફિલ્મ ‘મોહબ્બતેં’ માટે અમિતાભ બચ્ચને માત્ર એક રૂપિયો લીધો હતો.

‘કલ હો ન હો’ અને ‘વેદા’ જેવી ફિલ્મના ડિરેક્ટર નિખિલ અડવાણીએ એક ઇન્ટરવ્યુમાં યશ ચોપડા અને અમિતાભ બચ્ચન વચ્ચેના ખાસ બૉન્ડની વાત કરી છે. અમિતાભ બચ્ચને યશ ચોપડા દ્વારા દિગ્દર્શિત ‘દીવાર’, ‘કભી કભી’, ‘ત્રિશૂલ’, ‘કાલા પત્થર’, ‘સિલસિલા’, ‘વીર-ઝારા’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

યશ ચોપડા જ્યારે ‘સિલસિલા’ બનાવી રહ્યા હતા ત્યારે તેમણે અમિતાભ બચ્ચનને પૂછ્યું કે આ ફિલ્મ માટે તમે કેટલા પૈસા લેશો? એ વખતે અમિતાભે કહેલું કે મારે એક ઘર લેવું છે તો આ ફિલ્મ માટે હું સારાએવા પૈસા લઈશ. યશ ચોપડાએ આ વાત મંજૂર રાખી. પછી અમિતાભને જ્યારે ખરાબ ફાઇનૅન્શિયલ સમય જોવાનો વારો આવ્યો ત્યારે તેમણે યશ ચોપડા પાસે સામેથી જઈને કામ માગ્યું હતું. એ વખતે યશ ચોપડાએ પોતાના દીકરા આદિત્ય દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘મોહબ્બતેં’ અમિતાભને ઑફર કરી હતી અને પૂછ્યું હતું કે એના માટે કેટલા પૈસા લેશો? અમિતાભ બચ્ચને ત્યારે તેમને કહ્યું હતું કે મને જ્યારે જે જોઈતું હતું એ તમે આપેલું એટલે આ વખતે હું માત્ર ૧ રૂપિયામાં આ ફિલ્મ કરીશ.

amitabh bachchan mohabbatein yash raj films entertainment news bollywood bollywood news