વૉર 2ની સફળતા માટે આદિત્ય ચોપડાનો માસ્ટર પ્લાન

08 August, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મના હૃતિક રોશન અને જુનિયર NTRના ડાન્સ ફેસ-આ‍ૅફ પર દરેકની નજર

‘વૉર 2’

૧૪ ઑગસ્ટે હૃતિક રોશનની ‘વૉર 2’ અને રજનીકાન્તની ‘કૂલી’ એક જ દિવસે રિલીઝ થશે. આ ટક્કરમાં ‘વૉર 2’ને સફળતા મળે એ માટે ફિલ્મના પ્રોડ્યુસર આદિત્ય ચોપડાએ માસ્ટરપ્લાન બનાવ્યો છે. આદિત્યએ આ પહેલાં પણ આ સ્ટ્રૅટેજી અપનાવી છે જેને સફળતા મળી છે. ફિલ્મ ‘વૉર 2’માં હૃતિક રોશન અને જુનિયર NTRની ટક્કર જોવા મળશે. આ હીરો-વિલનની લડાઈ માત્ર ઍક્શન સુધી સીમિત નથી, પરંતુ બન્ને વચ્ચે એક ડાન્સ ફેસ-ઑફ પણ હશે. આ ડાન્સ માટે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને આ ગીતનો ફર્સ્ટ લુક આ અઠવાડિયે રિલીઝ થશે.

હૃતિક રોશન અને જુનિયર NTRના ડાન્સ ફેસ-ઑફ પર દરેકની નજર છે અને લોકોમાં ઉત્સુકતાની લાગણી જોવા મળે છે. આદિત્ય ચોપડા આ બઝને વધારવા માગે છે અને એટલે જ તેઓ આ ગીતને પહેલાં રિલીઝ નહીં કરે, જેથી લોકો થિયેટરમાં આવે. તેમણે એવો પ્લાન બનાવ્યો છે કે આ ગીત લોકોને ફિલ્મ જોવા માટે મજબૂર કરશે. આ આદિત્ય ચોપડાની સ્ટ્રૅટેજી છે જે તેમણે અગાઉ ‘ધૂમ 3’ અને ‘બન્ટી ઔર બબલી’ માટે પણ અપનાવી હતી. 

‘ધૂમ 3’નાં તમામ ગીતો સીધાં જ ફિલ્મમાં બતાવવામાં આવ્યાં હતાં અને કૅટરિના કૈફના ‘કમલી’ ગીતને ખૂબ પ્રેમ મળ્યો હતો. એ જ રીતે ‘બન્ટી ઔર બબલી’નું ‘કજરા રે’ ગીત થિયેટરમાં જોઈને લોકો ખુશ થયા હતા અને અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચનના ડાન્સની ભારે પ્રશંસા થઈ હતી.

hrithik roshan jr ntr bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news aditya chopra