આલિયા અને રણબીર બનશે રામ અને સીતા?

09 June, 2023 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘આદિપુરુષ’ની દસ હજાર ટિકિટ ખરીદી રણબીર કપૂરે

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

‘આદિપુરુષ’ બાદ હવે ‘રામાયણ’ પરથી નિતેશ તિવારી પણ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર રામ અને આલિયા ભટ્ટ સીતાના રોલમાં દેખાશે એવી ચર્ચા છે. આ ફિલ્મ બનાવવા વિશે નિતેશ તિવારીએ ઘણા સમય પહેલાં જાહેરાત કરી હતી. એ ફિલ્મ પડતી મૂકવામાં આવી હોવાની ચર્ચા પણ ચાલી હતી. જોકે આલિયાએ હવે તેના રિયલ પતિ સાથે આ ફિલ્મમાં કામ કરવાની તૈયારી દેખાડી હોવાની ચર્ચા છે. આ ફિલ્મમાં રાવણના પાત્ર માટે સાઉથના સ્ટાર યશ સાથે ચર્ચા ચાલી રહી છે. એ ચર્ચા ઍડ્વાન્સ સ્ટેજ પર છે. જોકે હજી સુધી પ્રોડક્શન હાઉસ દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી. આલિયા થોડા સમય પહેલાં જ નિતેશ તિવારીની ઑફિસની બહાર જોવા મળી હતી. નિતેશ તિવારીએ ‘દંગલ’ અને ‘છિછોરે’ બનાવી હતી. તેઓ હાલમાં વરુણ ધવન અને જાહનવી કપૂરને લઈને વર્લ્ડ વૉર પર આધારિત ફિલ્મ ‘બવાલ’ બનાવી રહ્યા છે. આ ફિલ્મ બાદ તેઓ ‘રામાયણ’ પર કામ શરૂ કરશે. રણબીર અને આલિયા ‘બ્રહ્માસ્ત્ર’ બાદ બીજી વાર ફિલ્મમાં સાથે કામ કરશે.

રણબીર કપૂરે હાલમાં જ ‘આદિપુરુષ’ની દસ હજાર ટિકિટ ખરીદી છે. આ ફિલ્મમાં પ્રભાસ, ક્રિતી સૅનન અને સૈફ અલી ખાન કામ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં રણબીરની બહેન કરીના કપૂર ખાનનો પતિ સૈફ અલી ખાન પણ કામ કરી રહ્યો છે. તે લંકેશની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ દરેક પુરુષ અને ખાસ કરીને બાળકોને બતાવવી જોઈએ એવી લોકોમાં ચર્ચા છે. આથી રણબીર કપૂરે હાલમાં જ ગરીબ બાળકોને દેખાડવા માટે દસ હજાર ટિકિટો ખરીદી લીધી છે. જે પણ બાળકો પૈસા ખર્ચીને ફિલ્મ થિયેટર્સમાં ન જોઈ શકતાં હોય એવાં બાળકો માટે તેણે આ ટિકિટ ખરીદી છે. સાઉથમાં પણ ઘણા માણસો આ રીતે દસ-દસ હજાર ટિકિટો ખરીદી રહ્યા છે.

ranbir kapoor alia bhatt nitesh tiwari ramayan bollywood news bollywood gossips bollywood entertainment news