14 February, 2026 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલ્ફાના શૂટિંગ દરમ્યાન આલિયા ભટ્ટ અને બૉબી દેઓલ વચ્ચે થયો વિવાદ
યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની આગામી ફિલ્મ ‘આલ્ફા’નું શૂટિંગ હાલમાં જોરશોરથી ચાલી રહ્યું છે. હવે જાણવા મળ્યું છે કે આ ફિલ્મના સેટ પર લીડ ઍક્ટ્રેસ આલિયા ભટ્ટ અને બૉબી દેઓલ વચ્ચે વિવાદ થયો છે. જાણવા મળ્યા પ્રમાણે ફિલ્મના શૂટિંગ દરમ્યાન એક સીનને લઈને બન્ને કલાકારો વચ્ચે તનાવ ઊભો થયો હતો. કહેવાય છે કે આલિયાએ સીન માટે કેટલાંક ક્રીએટિવ સૂચન આપ્યાં હતાં, પરંતુ બૉબીને એ ન ગમતાં તેણે વાંધો ઉપાડ્યો હતો. એને કારણે બન્ને વચ્ચે વિવાદ થયો અને સેટનું વાતાવરણ બદલાઈ ગયું હતું. જોકે આ પરિસ્થિતિ સંભાળવા માટે પ્રોડ્યુસર આદિત્ય ચોપડાએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો, જેથી શૂટિંગ સહેલાઈથી આગળ વધી શકે.
થોડા સમય પહેલાં યશરાજ ફિલ્મ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફિલ્મ ૧૭ એપ્રિલે રિલીઝ થશે અને આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે. જોકે એવી પણ ચર્ચા છે કે ‘આલ્ફા’ને થિયેટરમાં નહીં, પરંતુ OTT પર રિલીઝ કરવામાં આવશે કારણ કે આદિત્ય ચોપડાને લાગ્યું છે કે ‘મર્દાની 3’ અને ‘વૉર 2’ને બૉક્સ-ઑફિસ પર ખાસ સફળતા નથી મળી એટલે એ પરિસ્થિતિમાં ‘આલ્ફા’ને તરત રિલીઝ કરવી યોગ્ય નહીં રહે. જોકે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.