18 January, 2026 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય ખન્ના અને પ્રિયદર્શન
હાલમાં અક્ષય ખન્ના એક મોટા વિવાદમાં ફસાઈ ગયો હતો. ‘દૃશ્યમ 3’ના નિર્માતા કુમાર મંગત પાઠકે તેને અનપ્રોફેશનલ બિહેવિયર માટે કડક રીતે ઠપકો આપીને તેને ટૉક્સિક કહી દીધો હતો, કારણ કે અક્ષયે ‘દૃશ્યમ 3’ના શૂટિંગ શરૂ થવાના માત્ર ૧૦ દિવસ પહેલાં આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી. જોકે હવે આ મામલે અક્ષય સાથે કામ કરી ચૂકેલા ફિલ્મમેકર પ્રિયદર્શને પોતાનો સકારાત્મક અનુભવ જણાવ્યો છે.
પ્રિયદર્શને ભૂતકાળમાં અક્ષય ખન્ના સાથે ‘આક્રોશ’, ‘હલચલ’, ‘મેરે બાપ પહલે આપ’ અને ‘હંગામા’ જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે અક્ષય સાથે તેની પહેલી ફિલ્મ ‘ડોલી સજા કે રખના’નો પૉઝિટિવ અનુભવ શૅર કરીને તેને ખૂબ જ પ્રેમથી ડાર્લિંગ કહ્યો છે.
પ્રિયદર્શને પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું જ્યારે ‘ડોલી સજા કે રખના’ માટે અક્ષય ખન્નાને સાઇન કરવા ઇચ્છતો હતો ત્યારે ઇન્ડસ્ટ્રીના અનેક લોકોએ મને અટકાવ્યો હતો. તે લોકોએ અક્ષયને મૂડી કહીને તેની સાથે કામ કરવું મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું. જોકે મારો અક્ષય સાથે કામ કરવાનો અનુભવ બહુ સારો રહ્યો હતો. મને તો પહેલી જ ફિલ્મથી અક્ષય ખન્ના પ્રત્યે બહુ લાગણી થઈ ગઈ હતી. તે મને ક્યારેય મુશ્કેલ લાગ્યો જ નથી. જો હું તેને સવારે પાંચ વાગ્યે પણ ફોન કરું તો તે સમયસર પહોંચી જતો. તે એકદમ ડાર્લિંગ છે. અમારી વચ્ચે ક્યારેય કોઈ કડવાશ રહી નથી અને તેને કોઈ પણ પ્રકારની ટીકાથી જરાય ફરક પડતો નથી.’