13 October, 2023 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષયકુમાર
અક્ષયકુમારની ફિલ્મ ‘OMG 2’ બાળકો માટે બનાવવામાં આવી હતી, પરંતુ બાળકોને જ જોવા ન મળી કેમ કે ફિલ્મને સેન્સર બોર્ડે A સર્ટિફિકેટ આપ્યું હતું. આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ લીડ રોલમાં હતાં. ફિલ્મમાં કેટલાક કટ્સ પણ સૂચવવામાં આવ્યા હતા. ફિલ્મને મળેલા A સર્ટિફિકેટ વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘મેં એ ફિલ્મ બાળકો માટે બનાવી છે. આ ફિલ્મ બાળકોને દેખાડવાની જરૂર હતી. બદનસીબે એને બાળકોને દેખાડવામાં ન આવી, કારણ કે એને A સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને એમાં ઍડલ્ટ કાંઈ નથી. હું સેન્સર બોર્ડનું સન્માન કરું છું અને સેન્સર બોર્ડે જે સૂચનો કર્યાં એનું અમે પાલન કર્યું. હું આવી રીતે સમાજને ઉપયોગી થવા માગું છું. હું જાણું છું કે જો હું ‘સિંઘ ઇઝ કિંગ’, ‘સૂર્યવંશી’ કે પછી ‘રાઉડી રાઠોડ’ બનાવું તો હું ત્રણ-ચારગણી આવક મેળવીશ. જોકે મને સામાજિક વિષયો પર ફિલ્મો બનાવવી કે જેને લઈને સમાજમાં ચર્ચા ન થતી હોય એવી ફિલ્મો કરવી ગમે છે. ખરાબ ટેવ કોઈ બદલવા નથી માગતું. એ જાણવા છતાં પણ કે મને એ પૈસા પાછા નથી મળવાના. વાત પૈસાની નથી. આ કોઈ બિઝનેસ નથી.’