24 September, 2025 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમારે વાઇરલ થયેલી તેની ક્લિપ વિશે પ્રતિક્રિયા આપી
હાલમાં અક્ષય કુમારનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં તે મહર્ષિ વાલ્મીકિના પાત્રમાં જોવા મળે છે. હવે આ વિડિયો વિશે અક્ષય કુમારે સ્પષ્ટતા કરી છે કે તેનો આ વિડિયો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી બનાવેલો વિડિયો છે અને એ નકલી છે. અક્ષયે તેના ફૅન્સ અને મીડિયાને સાવધાન રહેવાની અને કોઈ પણ વાતને વેરિફાઇ કરવાની સલાહ આપી છે.
અક્ષયે આ સ્પષ્ટતા કરતી પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘હાલ જ મને એક ફિલ્મના ટ્રેલરના કેટલાક AI-જનરેટેડ વિડિયો મળ્યા છે જેમાં મને મહર્ષિ વાલ્મીકિની ભૂમિકામાં બતાવવામાં આવ્યો છે. હું સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે આવા તમામ વિડિયો નકલી છે અને AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. એનાથી પણ વધારે ખરાબ વાત એ છે કે કેટલીક ન્યુઝ-ચૅનલ્સ તપાસ કર્યા વિના આને ન્યુઝ તરીકે ચલાવી દે છે. આજના સમયમાં AI દ્વારા ઝડપથી બદલાતી વસ્તુઓને કારણે ભ્રામક કન્ટેન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. હું મીડિયા હાઉસને વિનંતી કરું છું કે તેઓ માહિતીને વેરિફાય કર્યા પછી જ રિપોર્ટ કરે.’