અક્ષય કુમાર સ્ટારર ‘લક્ષ્મી’ પ્રીમિયર પહેલાં જ ઓનલાઈન લીક થઈ ગઈ

10 November, 2020 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અક્ષય કુમાર સ્ટારર ‘લક્ષ્મી’ પ્રીમિયર પહેલાં જ ઓનલાઈન લીક થઈ ગઈ

ફિલ્મ 'લક્ષ્મી' ડાઉનલોડ માટે અવેલેબેલ છે તેના સોશ્યલ મીડિયા પરથી લીધેલા સ્ક્રીન શોટ

ગઈકાલે એટલે કે 9 નવેમ્બરે સાંજે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહેલી અત્રુ કુમાર (Akshay Kumar) અને કિયારા અડવાણી (Kiara Advani) સ્ટારર ફિલ્મ ‘લક્ષ્મી’ પ્રીમિયર પહેલાં જ ઓનલાઇન લીક થઈ ગઈ હતી. ઘણી ટોરેન્ટ વેબસાઈટ પર આ ફિલ્મ HD ક્વોલિટીમાં ડાઉનલોડ માટે અવેલેબલ છે. એટલું જ નહીં ડિઝની પ્લસ હોટસ્ટારે પણ નિયત ટાઈમ કરતાં દોઢ કલાક અગાઉ જ એટલે કે સાંજે છ વાગે ફિલ્મ રિલીઝ કરી દીધી હતી. રાઘવ લોરેન્સ (Raghava Lawrence) દિગ્દર્શિત આ ફિલ્મ પહેલા સાંજે 7.30 વાગ્યે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની હતી.

ફિલ્મ 'લક્ષ્મી' પહેલેથી જ વિવાદોનો માર સહન કરી રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ તેના પર લવ-જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો તો હિન્દૂ સંગઠનોએ આના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા તેના વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. જોકે, રિલીઝ પહેલાં આ ભાવનાઓને ધ્યાનમાં રાખીને ફિલ્મનું ટાઇટલ 'લક્ષ્મી બોમ્બ' બદલીને 'લક્ષ્મી' કરી દેવામાં આવ્યું હતું.

ફિલ્મની સ્ટોરી આસિફ (અક્ષય કુમાર) નામના વ્યક્તિની આસપાસ ફરે છે જે પ્રિયા (કિઆરા અડવાણી) નામની છોકરીને પ્રેમ કરે છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આસિફ પ્રિયાના પરિવારને મનાવવા જાય છે અને તેની અંદર એક આત્મા ઘર કરી લે છે. આ આત્મા ટ્રાન્સજેન્ડરની હોય છે. અક્ષય કુમાર ફિલ્મ 'લક્ષ્મી'માં એક ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કરી રહ્યો છે. ફિલ્મ 'લક્ષ્મી' રાઘવ લોરેન્સના ડિરેક્શનમાં બનેલી તમિળ ફિલ્મ 'કંચના'ની હિન્દી રીમેક છે. 'કંચના'નો અર્થ સોનુ થાય છે અને તે લક્ષ્મીનો એક અવતાર છે. માટે હિન્દી રીમેકનું નામ 'લક્ષ્મી' રાખ્યું હતું. 'કંચના'માં લીડ રોલ રાઘવ લોરેન્સે પ્લે કર્યો હતો.

bollywood bollywood news laxmmi bomb akshay kumar kiara advani hotstar