16 May, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈમાં ‘કરાટે કિડ : લેજન્ડ્સ’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં અજય દેવગન અને તેનો દીકરો યુગ
શાહરુખ ખાને હૉલીવુડની ફિલ્મો ‘ધ લાયન કિંગ’ અને ‘મુફાસા’માં પોતાના પુત્રો સાથે મુખ્ય પાત્રો માટે ડબિંગ કર્યું હતું. હવે આ રીતે જ અજય દેવગને પોતાના દીકરા યુગ સાથે હૉલીવુડની નવી ફિલ્મ ‘કરાટે કિડ : લેજન્ડ્સ’ માટે ડબિંગ કર્યું છે. આ ફિલ્મના હિન્દી વર્ઝનમાં અજય દેવગન મિસ્ટર હાનનો અવાજ બન્યો છે, જ્યારે યુગ લી ફોંગના અવાજમાં તરીકે સાંભળી શકાશે. ભારતમાં આ ફિલ્મ ૩૦ મેએ રિલીઝ થશે.
અજય ‘કરાટે કિડ : લેજન્ડ્સ’માં જૅકી ચેને ભજવેલા મિસ્ટર હાનના પાત્રને અવાજ આપી રહ્યો છે જ્યારે બેન વાંગે ભજવેલા ફિલ્મના મુખ્ય પાત્ર લી ફોંગનો અવાજ યુગ દેવગન બન્યો છે.
‘કરાટે કિડ : લેજન્ડ્સ’ એક શિક્ષક અને તેના શિષ્યની એવી વાર્તા છે જેને જોવા માટે બાળકો અને પુખ્ત વયના લોકો વર્ષની શરૂઆતથી જ આતુર છે. આ ફિલ્મની વાર્તા અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં આકાર લે છે. આ વાર્તા લી ફોંગના નવી સ્કૂલમાં આગમન અને ત્યાંના વાતાવરણમાં પોતાને ઍડ્જસ્ટ કરવાથી શરૂ થાય છે. અહીં પોતાના શિક્ષક મિસ્ટર હાનના માર્ગદર્શનથી પોતાની જાતને કરાટે સ્પર્ધા માટે તૈયાર કરે છે અને પોતાની અંદરની હિંમતને ફરીથી શોધવામાં સફળ રહે છે.