✕

શરદ કપૂરને કામ આપવા માટે બૉલીવુડને અપીલ કરી ઑલ ઇ‌ન્ડિયન ‌સિને વર્કર્સ અસો‌‌સિએશને

15 November, 2026 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઉદ્યોગમાં કામની કોઈ ખાતરી નથી અને જીવનની સુરક્ષાની પણ કોઈ ગૅરન્ટી નથી એટલે દરેક વ્યક્તિએ શરદ કપૂરને ટેકો આપવો જોઈએ. આજે તેને ખરેખર આપણી જરૂર છે. તમે પણ ઉદ્યોગમાં આવી પરિસ્થિતિ ઘણી વખત જોઈ હશે.”

ફિલ્મ ‘જોશ’થી જાણીતા થયેલા ઍક્ટર શરદ કપૂરની ખરાબ હાલતનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર સામે આવ્યો હતો

ફિલ્મ ‘જોશ’થી જાણીતા થયેલા ઍક્ટર શરદ કપૂરની ખરાબ હાલતનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર સામે આવ્યો હતો. આ વિડિયો જોયા બાદ ઑલ ઇન્ડિયન સિને વર્કર્સ અસોસિએશન (AICWA)એ બૉલીવુડ અને ભારતીય ફિલ્મઉદ્યોગને શરદ કપૂરને તેમની યોગ્યતા પ્રમાણે કામ આપવાની અપીલ કરી છે. આ સંસ્થાના પ્રમુખ સુરેશ શ્યામલા ગુપ્તાએ એક વિડિયો શૅર કરીને ફિલ્મઉદ્યોગના અગ્રણી ફિલ્મમેકર્સ અને સેલિબ્રિટીઝને શરદ કપૂરને કામ આપવા અને તેને ટેકો આપવાની અપીલ કરી હતી.

સુરેશ શ્યામલા ગુપ્તાએ વિડિયોમાં કહ્યું હતું કે ‘શરદ કપૂરની ઉંમર માત્ર પચાસ વર્ષ છે. આજે તેને આપણી જરૂર છે. આ ઉદ્યોગની એક કડવી હકીકત એ છે કે આજે તમને એક કામ મળે અને ત્યાર બાદ બીજું કામ ૧૦ દિવસ પછી મળે, એક વર્ષ પછી મળે, બે વર્ષ પછી મળે અથવા કદાચ મળે જ નહીં. આ સૌથી મોટી કડવી હકીકત છે. આ ઉદ્યોગમાં કામની કોઈ ખાતરી નથી અને જીવનની સુરક્ષાની પણ કોઈ ગૅરન્ટી નથી એટલે દરેક વ્યક્તિએ શરદ કપૂરને ટેકો આપવો જોઈએ. આજે તેને ખરેખર આપણી જરૂર છે. તમે પણ ઉદ્યોગમાં આવી પરિસ્થિતિ ઘણી વખત જોઈ હશે.”

સુસ્મિતા સેનના પહેલા હીરો શરદ કપૂરને શું થયું છે?

૧૯૯૬માં આવેલી ‘દસ્તક’ સુસ્મિતા સેનની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મથી શરદ કપૂરે પણ બૉલીવુડમાં એન્ટ્રી લીધી હતી. આ પછી શરદે ‘જોશ’માં શાહરુખ ખાન સાથે અને બીજા પ્રોજેક્ટમાં હૃતિક રોશન જેવા સ્ટાર્સ સાથે કામ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હાલમાં સોશ્યલ મીડિયામાં શરદનો એક ઇમોશનલ વિડિયો ચર્ચામાં છે જેમાં તેની દુર્દશા જોઈને કોઈ પહેલી નજરે તેને ઓળખી શકતું નથી. આ વિડિયોમાં શરદના ચાર પાળેલા કૂતરાને ઍનિમલ વેલફેર સેન્ટરમાં લઈ જવામાં આવી રહ્યા છે. હાલમાં શરદ અને તેનો પરિવાર કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ એક કામચલાઉ વ્યવસ્થા છે, કૂતરાને હંમેશાં માટે છોડી દેવાનો નિર્ણય નથી. રિપોર્ટ પ્રમાણે ઘરની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે શરદ માટે ચારેય કૂતરાની સંભાળ રાખવી મુશ્કેલ બની છે. વળી શરદ પણ કેટલીક શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને તેને પણ સંભાળની જરૂર છે. ઘરમાં નિયમિત સંભાળ રાખનાર કૅરટેકર ન હોવાને કારણે ઘરની અન્ય જવાબદારીઓની સાથે ચાર પાળેલા પ્રાણીઓની જરૂરિયાતોનું ધ્યાન રાખવું વધુ મુશ્કેલ બની ગયું છે. આ જ કારણસર અત્યારે કૂતરાને ઍનિમલ વેલફેર સેન્ટરમાં રાખવાની કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી છે.

indian cinema social media entertainment news bollywood news bollywood controversies bollywood gossips bollywood